Site icon Revoi.in

બનાસકાંઠામાં ખારા પાસે ઈકોકારે બાઈકને ટક્કર મારતા ભાઈ-બહેનના મોત, એકને ઈજા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધા રહ્યા છે. જેમાં ભાભરના ખારા ગામ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતના બનાવમાં ભાઈ-બહેને પોતાના જીવ ગુમાવ્યા હતા. લાખણી તાલુકાના વજેગઢથી ભાભરની નર્સિંગ કોલેજમાં બહેનનું ફોર્મ ભરવા બાઈક પર સવાર થઈને જતાં ત્રણ ભાઈ બહેનને ભાભરના ખારા ગામ પાસે ઇકો ચાલકે સામેથી ટક્કર મારતાં ભાઇ અને એક બહેનનું મોત થયું હતુ. જ્યારે બીજી બહેનને ઇજા થઇ હતી. જેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગમખ્વાર અકસ્માતમાં પરિવારનો માળો વિખેરાઇ જતાં રબારી સમાજમાં શોક છવાયો હતો.આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, લાખણી તાલુકાના વજેગઢના કેવળભાઇ રબારીની પુત્રી અલકાને નર્સિંગનું ફોર્મ ભરવાનું હોઇ અલકા તેના ભાઇ મુકેશ અને બહેન નયના સાથે બાઇક પર ભાભર આવ્યા હતા. જ્યાંથી ફોર્મ ભરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર-મીઠા હાઇવે ઉપર ખારા ગામના પાટિયા પાસે દિયોદર તરફથી પૂરપાટ ઝડપે આવતી ઈકો કારના ચાલકે બાઇકને ધડાકાભેર ટક્કર મારી હતી. બાઈક સવાર અલકાબેન રબારી ઇકોનાં બોનેટ આગળ ફસાઇ જતાં 1 કિલોમીટર સુધી ઢસડી બોરિયા પાસે ફંગોળતાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ભાઇ-બહેનને ગંભીર ઈજા થતાં 108 વાન દ્વારા ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ બાઈક ચાલક મુકેશભાઇ કેવળભાઈ રબારી (ઉં.વ.20) (રહે.વજેગઢ) નું પણ મોત થયું હતું. જ્યારે બીજી બહેન નયનાને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાઇ હતી. બે સગા ભાઈ-બહેનના મોત થતાં રબારી સમાજમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.ઈકો ચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો હતો.