દિલ્હી:હાલમાં મોંઘવારી ઘટવાની શક્યતા દેખાતી નથી.18 જુલાઈથી સરકારે જરૂરિયાતની તમામ વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કર્યો છે અને હવે તેની અસર દેખાવા લાગી છે. ભારતની સૌથી મોટી ડેરી કંપની (અમૂલ ડેરી) એ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. નવી કિંમતો 19 જુલાઈથી લાગુ થશે.અમૂલનો આ નિર્ણય પેકેજ્ડ ડેરી ઉત્પાદનો પર 5% GST લાદવામાં આવ્યા બાદ આવ્યો છે. અમૂલે દહીં, છાશ, ફ્લેવર્ડ મિલ્ક સહિત દૂધની બનાવટોના ભાવમાં વધારો કર્યો છે.
પ્રથમ વખત સરકારે GSTના દાયરામાં દૂધના પેકેજ્ડ ઉત્પાદનો – દહીં, લસ્સી, પનીર અને છાશનો સમાવેશ કર્યો છે.આ ઉત્પાદનો પર પાંચ ટકાના દરે GST વસૂલવામાં આવશે.આ કારણે અમૂલે તેના ઉત્પાદનોના ભાવમાં વધારો કર્યો છે. આગામી દિવસોમાં વધુ ડેરી કંપનીઓ તેમના ઉત્પાદનોના ભાવમાં વધારો કરી શકે છે.
200 ગ્રામ કપ દહીંની કિંમત 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે. 400 ગ્રામ દહીંનો કપ હવે 40 રૂપિયાને બદલે 42 રૂપિયામાં મળશે.અમૂલનું દહીંનું પેકેટ હવે 30 રૂપિયાને બદલે 32 રૂપિયામાં મળશે.હવે તમારે એક કિલો દહીંનું પેકેટ ખરીદવા માટે 69 રૂપિયા ખર્ચવા પડશે.પહેલા તેની કિંમત 65 રૂપિયા હતી. અમૂલની 170mlની લસ્સી હવે રૂ.10ને બદલે રૂ.11માં મળશે.
અમૂલની ફ્લેવર્ડ દૂધની બોટલ હવે રૂ. 20ને બદલે રૂ. 22માં ઉપલબ્ધ થશે. ટેટ્રા પેક સાથે છાશનું 200 મિલીનું પેકેટ રૂ. 12ને બદલે રૂ. 13માં ઉપલબ્ધ થશે. જોકે, 200 ગ્રામ લસ્સી કપની કિંમતમાં વધારો થયો નથી. પહેલાની જેમ, તે માત્ર 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે,GSTમાં વધારાને કારણે ઘણી પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.જોકે, નાના પેકેટો પર વધેલી કિંમતો અમે પોતે સહન કરીશું.નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના અંતમાં GST કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં GST કાઉન્સિલે અમુક ખાદ્ય ચીજો પર GST વસૂલવાનો નિર્ણય લીધો હતો, જેને આ ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવી હતી.