ઓનલાઈન એજ્યુકેશનની આડઅસરઃ વિદ્યાર્થીઓના અક્ષર બગડ્યાં, વધારે લખવાથી આંગળીઓ દુઃખવાની ફરિયાદ
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લાંબી લડાઈ લડી રહ્યું છે. ગત માર્ચ મહિનાથી સ્કૂલ અને કોલેજમાં શિક્ષણને અસર પડી છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધીમે-ધીમે ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. પરંતુ વધારે લખવાની પ્રેકટીસ જતી રહી હોવાથી અક્ષર બગડ્યાં હોવાથી તથા વધારે લખવાથી આંગળીઓમાં દુઃખાવાની ફરિયાદ વિદ્યાર્થીઓ કરતા હોવાથી શિક્ષકોની ચિંતા વધી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ધો-6થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓને ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ આપવામાં આવી રહ્યું છે. હજુ અનેક વાલીઓ કોરોનાના ડરના કારણે પોતાના સંતાનોને સ્કૂલ મોકલતા ડરી રહ્યાં છે. જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન મેળવતા હોવાથી અનેક વિદ્યાર્થીઓના અક્ષર બગડી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે સૂતા સૂતા લખતા હોવાથી પણ અક્ષર બગડ્યા છે. વિદ્યાર્થી એક ફકરો લખે કે તરત જ તેમની હાથની આંગળી દુખતી થઈ જાય છે.
એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ઓનલાઈન એજ્યુકેશનમાં વાલીઓ સંતાનો ઉપર પુરતુ ધ્યાન આપતા નથી. જ્યારે શિક્ષકો પણ કેટલીક મર્યાદાઓને કારણે તમામ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપી શકતા નથી. જેથી ઓફલાઈન એજ્યુકેશનમાં અનેક વિદ્યાર્થીઓ વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હેન્ડ રાઇટિંગ એક્સપર્ટના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ રોજ 2-3 પાના લખવા જોઈએ. તેમજ પેન પકડતી વખતે પહેલી આંગળીનો વળાંક બહારની તરફ રહેવો જોઇએ.