પાકિસ્તાને ઉરી સેક્ટરમાં ફરીથી કર્યું શસ્ત્રવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીને કારણે પાકિસ્તાન ખિજાયેલું છે અને પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષવિરામનો ભંગ થઈ રહ્યો છે. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે.
આજે શુક્રવારે સવારથી જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો અને તેમા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે.
સેનાના અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાની સૈનિકોએ બારામૂલા જિલ્લામાં ઉરીના કમલકોટ વિસ્તારમાં ગુરુવારે સાંજે ભારતીય ચોકીઓ અને ગામડાઓ પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબાર કરવાનું શરૂ કર્યું છે અને ભારતીય સેનાએ પણ ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. આખી રાત્રિ દરમિયાન ચાલેલો ગોળીબાર શુક્રવારે સવારે પણ ચાલુ રહ્યો અને તેમા ઘાયલ થયેલા એક વ્યક્તિને નજીકની હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14મી ફેબ્રુઆરીના રોજ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કડવાશમાં મોટો વધારો થયો છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે. આવા સમયમાં પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ ભારતને આકરી કાર્યવાહી કરવા માટે મજબૂર કરી રહ્યો છે. ભારતીય સેનાના પ્રમુખ જનરલ બિપિન રાવતે વખતોવખત પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન પોતાની હરકતો ચાલુ રાખશે, તો ભારત તેનો યોગ્ય જવાબ આપશે અને જો મજબૂર કરવામા આવશે, તો ભારત પોતાના દુશ્મનો વિરુદ્ધ આકરા પગલા પણ ભરશે.
મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા હતા અને આ હુમલાની જવાબદારી પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. બાદમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ સવારે એક સફળ ઓપરેશન દ્વારા જૈશ-એ-મોહમ્મદના ત્રણસોથી વધારે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.