જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા હતા. તેના પછી ભારતે 26 ફેબ્રુઆરીએ ખૈબર પખ્તૂનખ્વાંના બાલાકોટ અને પીઓકેના મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં આતંકવાદીઓની તાલીમ શિબિરોને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી હતી. પુલવામા એટેક પર ભારતની એરસ્ટ્રાઈક બાદથી પાકિસ્તાન તરફથી શસ્ત્રવિરામ ભંગના મામલામાં વધારો થયો છે.
પાકિસ્તાની સૈનિકોએ સોમવારે અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે આવેલા ગામડા અને અગ્રિમ ચોકીઓને નિશાન બનાવીને ફાયરિંગ કરીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. સંરક્ષણ વિભાગના એક પ્રવક્તાનું કહેવું છે કે સીમાપારથી ગોળીબાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે શરૂ થયો હતો અને તે સવારે સાડા છ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.
તેમણે કહ્યુ છે કે પાકિસ્તાને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ભારતની અગ્રિમ ચોકીઓ અને ગામડાને મોર્ટાર અને નાના હથિયારોથી નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ પણ આનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ છે કે ભારત તરફથી કોઈપણ પ્રકારની જાનહાનિના કોઈપણ અહેવાલ નથી.
રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં શનિવારે બપોરે બે કલાક સુધી સીમાપારથી થયેલા ફાયરિંગ સિવાય શુક્રવારે રાત્રે નિયંત્રણ રેખા પર શાંતિ સ્થપાયેલી હતી. આ શાંતિકાળમાં સીમા પર રહેનારા લોકોને સીમાપારથી ગોળીબારમાં ઘણી રાહત મળી હતી. ખાસ કરીને પુંછ અને રાજૌરી જિલ્લામાં જ્યાં પાકિસ્તાને પચાસથી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જેમાં એક પરિવારના ત્રણ સદસ્યો સહીત ચાર લોકોના મોત નીપજ્યા છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.