આફ્રિકા ખંડમાં આવેલા સિએરા લિયોનમાં બની દુર્ઘટના, 80 થી વધુ લોકોના મોત થયાની આશંકા
- આફ્રિકાના દેશમાં મોટી દુર્ધટના
- સિએરા લિયોનમાં ટેન્કરમાં ધડાકો
- 80 થી વધુ લોકોના મોત થયાની આશંકા
દિલ્હી:આફ્રિકાના દેશ સિએરા લિયોનમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે અંદાજે 84 લોકોના મોત થયા છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની છે. 40 ફૂટ ઉંચુ ઓઈલ ટેન્કર અન્ય વાહન સાથે અથડાતા આ ઘટના બની હતી. આ પછી તેમાં વિસ્ફોટ થયો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર સ્થાનિક સરકાર દ્વારા મૃતકોની સંખ્યા 91 ગણાવી છે. પરંતુ હજુ સુધી કોઈને ચોક્કસ આંકડો ખબર નથી. આ વિસ્ફોટ શહેરના વેલિંગ્ટન વિસ્તારમાં વ્યસ્ત સુપરમાર્કેટની બહાર થયો હોવાનું માનવામાં આવે છે. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા બ્રિમા બુરેહ સેસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે “ભયંકર અકસ્માત” હતો. આ દરિયાકાંઠાના શહેરમાં દસ લાખથી વધુ લોકો રહે છે. જેમણે તાજેતરના વર્ષોમાં ઘણી ગંભીર આફતોનો સામનો કર્યો છે.
સ્થાનિક મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ટેન્કરની આસપાસ લોકોના મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. મેયર, વોન અકી-સોયરે, વીડિયો ફૂટેજ જોયા પછી આ ઘટનાને ‘ભયાનક’ ગણાવી. તેમણે એમ પણ કહ્યું કે, કેટલું નુકસાન થયું છે તે કહેવું મુશ્કેલ છે. ફેસબુક પોસ્ટમાં, મેયરે કહ્યું કે, એવી અફવા છે કે 100 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી.