જમ્મુ નજીક બનતાલાબ વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાયાં ?
દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવે છે. બીજી તરફ ભારતીય જવાનો પણ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપી રહ્યાં છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં સરહદ નજીકના વિસ્તારમાં પાકિસ્તાની મોબાઈલ ટાવરના સિગ્નલ પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે તેમજ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ નજીક બનતાલાબ ક્ષેત્રમાં પાક મોબાઈલ સિગ્નલ આવતા હોવા વિશે ગુપ્તચર વિભાગે પોલીસનું ધ્યાન દોર્યુ હતું. જેથી તાબડતોડ ટીમો દોડાવીને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મોબાઈલ કંપનીઓના એન્જીનીયરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. જે સ્થાનોએ સિગ્નલ તેજ હતા ત્યાં દરેક ઘરોની તલાશી લેવામાં આવી હતી. જો કે કયાંયથી કોઈ શંકાસ્પદ ગતિવિધિ માલુમ પડી ન હતી. બનતાલાબ ઉપરાંત બાગ-એ-બાહુ સહીતના ક્ષેત્રોમાં સિગ્નલો ઘણા તેજ હતા. આ ક્ષેત્ર ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમાની નજીક છે. પાકિસ્તાની મોબાઈલ ટાવરના સંકેતોથી જમ્મુમાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોને પણ એલર્ટ કરાયાં હતા.