રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન: અશ્વિની વૈષ્ણવ
અમદાવાદઃ ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી મંત્રી અશ્વિની વૈષ્ણવના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્ફરન્સ યોજાઈ. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રના 360 ડિગ્રી વિકાસમાં ઉભરતાં સ્ટાર્ટઅપનું મહત્વનું યોગદાન છે.
સ્ટાર્ટઅપ ઇન્ડિયાને કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ પહેલ ગણાવતા મંત્રી વૈષ્ણવે ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા, એક મજબૂત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા તેમજ દેશને રોજગાર શોધનારાઓને બદલે રોજગાર સર્જકોનો દેશ બનાવવામાં સ્ટાર્ટઅપનું સવિશેષ યોગદાન છે. મંત્રી વૈષ્ણવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલી ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી વૉઇસ-આધારિત ઍક્સેસથી વિવિધ ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની પહોંચ સરળ બનશે તેમ જણાવી આ દિશામાં દેશના દરેક સ્ટાર્ટઅપને આગળ વધવા પણ અનુરોધ કર્યો હતો.
દેશના વિવિધ શહેરોમાં શરૂ થયેલા સ્ટાર્ટઅપ્સને શોધીને તેને યોગ્ય પ્લેટફોર્મ આપી એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)’ પહેલ શરુ કરવામાં આવી છે. નવા સ્ટાર્ટઅપ્સને ડિજિટલ હેલ્થ ક્ષેત્રે શોધ-સંશોધન કરવા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતુ કે, સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા દેશમાં નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતા માટે એક મજબૂત અને વ્યાપક ઇકોસિસ્ટમની રચના કરવી એ સ્ટાર્ટઅપનો મુખ્ય હેતુ છે.
મંત્રી ચંદ્રશેખરે ઉમેર્યું કે, ઉદ્યોગ સાહસિકોને સપોર્ટ આપવા તા. 16 જાન્યુઆરી, 2016ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરવામાં આવી હતી. પહેલના પ્રારંભમાં દેશમાં માત્ર ગણતરીના જ સ્ટાર્ટઅપ હતા જ્યારે આજે 73 હજારથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે.
મંત્રી ચંદ્રશેખરે આ કોન્ફરન્સ વિશે જણાવતા કહ્યું હતું કે, આ કોન્ફરન્સમાં વિવિધ સ્ટાર્ટઅપ લિડર્સ એક મંચ પર આવીને પોતાના અનુભવો જણાવશે અને આર્થિક વિકાસ માટે રોડ મેપ તૈયાર કરશે. રાષ્ટ્રના ઉભરતાં સ્ટાર્ટઅપને સપોર્ટ આપવા કેન્દ્ર-રાજ્ય સરકાર જરૂરી એવી તમામ સહાય પુરી પાડશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.