Site icon Revoi.in

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો, નવેમ્બર મહિનામાં 41 કેસ નોંધાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યના શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથુ ઉચક્યુ છે. દરમિયાન રાજ્યમાં ઈનફૂલના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યમાં ચાલુ નવેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 41 જેટલા કેસ સામે આવ્યાં છે. છેલ્લા દસ મહિનામાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના લગભગ 170 જેટલા કેસ નોંધાયાં છે. જ્યારે બે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. સ્વાઈન ફ્લૂના કેસમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તેમજ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો ના થાય તે માટે પગલા લેવામાં આવી રહ્યાં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેર અને નગરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.  રાજ્યમાં અચાનક રોગચાળો વકરતા તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.

(PHOTO-FILE)