નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી.
1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 26 હજાર 400 કરોડની સરખામણીએ 38 હજાર 483 કરોડ રૂપિયા થઈ છે, જે 46 ટકાનો વધારો દર્શાવે છે. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત સિવાયના મુસાફરો પાસેથી થયેલી આવક 10 હજાર 430 કરોડ રૂપિયા છે જે અગાઉના વર્ષના આ સમયગાળા દરમિયાનની બે હજાર 169 કરોડની સરખામણીએ 381 ટકાનો વધારો દર્શાવે છે.
દેશમાં પરિવહન માટે સૌથી મોટી સેવા ભારતીય રેલવે છે, રેલવેમાં દરરોજ કરોડો લોકો પ્રવાસ કરે છે. બીજી તરફ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે દિશામાં ભારતીય રેલવે દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોને હાઈટેક બનાવવામાં આવી રહ્યાં છે, અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યાં છે. પ્રવાસી ટ્રેનોની સંખ્યામાં વધારાની સાથે ટીકીટ રિઝર્વેશનની સુવિધાને હાઈટેક કરવામાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટટ્રેનની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં વંદેભારત ટ્રેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે.