નવી દિલ્હીઃ WHO એ કોરોના મહામારી પછી ટીબી રોગના કારણે થયેલા મૃત્યુ અંગેનો રિપોર્ટ જાહેર કર્યો છે. WHO અનુસાર, ગયા વર્ષે લગભગ 82 લાખ ટીબી દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. WHOએ 1995માં વૈશ્વિક ટીબી સર્વેલન્સ પ્રક્રિયા શરૂ કરી ત્યારથી નોંધાયેલો આ સૌથી મોટો આંકડો છે. અગાઉ 2022માં ટીબીના 75 લાખથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. આનો અર્થ એ છે કે ટીબીના દર્દીઓ માટે યોગ્ય સારવાર અસ્તિત્વમાં છે. રિપોર્ટ અનુસાર, ડેટા દર્શાવે છે કે ક્ષય રોગ નાબૂદી હજુ ઘણી દૂર છે કારણ કે રોગ સામેની લડાઈમાં ઘણા પડકારો બાકી છે.
ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે નિવારણ, તપાસ અને સારવારના તમામ સાધનો હોવા છતાં, ટીબી હજુ પણ ઘણા લોકોનો જીવ લઈ રહ્યો છે. 2022માં 13.2 લાખ લોકો ટીબીના કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે 2023માં આ આંકડો 12.5 લાખ હતો. અનુમાન મુજબ, ગયા વર્ષે 1.8 કરોડ લોકો ટીબીથી સંક્રમિત થયા હતા. એજન્સીએ જણાવ્યું હતું કે 2027 સુધીમાં ટીબીને નાબૂદ કરવાના નિર્ધારિત લક્ષ્યો સુધી પહોંચવા માટે નોંધપાત્ર પ્રગતિની જરૂર છે. આ રોગથી મૃત્યુ પામેલા 98 ટકા લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના છે. સમસ્યાના ઉકેલ માટે આ દેશોને ભંડોળની ભારે અછતનો સામનો કરવો પડે છે.