નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને લઈને સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને સંસદીય સમિતિને જણાવ્યું કે 2019થી મોદી સરકારના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. લશ્કર-એ-તૈયબા અને જૈશ એ મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો જમ્મુ-કાશ્મીર માટે ખતરો છે.
ગૃહ મંત્રાલયની ટીમે સમિતિને કહ્યું કે મોદી સરકાર નાગરિક સુરક્ષાના મુદ્દાને લઈને ઘણી સતર્ક છે. સુરક્ષા એજન્સીઓ પણ આના પર ભાર આપી રહી છે. 2019માં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 50 લોકો માર્યા ગયા હતા. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 14 છે. 2023માં આતંકવાદી ઘટનાઓમાં પાંચ લોકો માર્યા ગયા હતા. જે 2024ની સરખામણીમાં લગભગ ત્રણ ગણું ઓછું છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે 2019માં લોકો પર 73 હુમલા થયા અને હવે આ આંકડો ઘટીને 10 પર આવી ગયો છે.
અધિકારીઓએ કહ્યું કે મંત્રાલયનો ઉદ્દેશ્ય સરહદોને સુરક્ષિત કરવાની સાથે ભારતને સુરક્ષિત, સુમેળપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનો છે. મજબૂત આંતરિક સુરક્ષા, મજબૂત સાયબર સ્પેસ, પારદર્શક ગુનાહિત ન્યાય પ્રણાલી અને સમૃદ્ધ સરહદો દ્વારા આ પ્રાપ્ત કરી શકાય છે. જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઉપરાંત મોદી સરકાર આતંકવાદી સમર્થન અને ફંડિંગના નેટવર્કને ખતમ કરવા માંગે છે.