અમદાવાદઃ વિક્રમ સંવત 2080ના વર્ષનો રંગેચંગે પ્રારંભ થઈ ગયા છે. કારતક મહિનાના પ્રથમ દિવસથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા રાજ્યભરમાં ઠંડીની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 10 શહેરોમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું હતુ. 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગર 14 ડિગ્રી, રાજકોટ 14.2 ડિગ્રી, અમદાવાદ 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.. આગામી દિવસોમાં ક્રમશઃ ઠંડીની અસર વધતી જશે. અમદાવાદમાં 18 નવેમ્બર બાદ વધુ ઠંડીનો અનુભવ થશે. હાલ ડીસા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, રાજકોટમાં 20 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો જઈ રહ્યો છે. હવે ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ફુંકાય રહ્યા હોવાથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કારતક મહિનાના આગમન સાથે જ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થતા આગામી ત્રણ દિવસ તાપમાન ઘટીને 16 ડિગ્રી સુધી પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શમી જતાં ઠંડા પવનો ફુંકાતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે. રાજ્યભરમાં આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ત્રણ દિવસ એટલે નવુ વર્ષ અને ભાઈબીજ અને ત્રીજ એમ ત્રણ દિવસ ગુલાબી ઠંડી અનુભવાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શમી જતાં રવિવાર સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા બફારો ગાયબ થઈ ગયો છે. આગામી ત્રણદિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેને કારણે રાતના સમયથી લઈને સવાર સુધી ઠંડી અનુભવાશે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, , હાલમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શમી ગયું છે. જેને કારણે ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થવાથી અમદાવાદનો પારો ગગડ્યો છે. અમદાવાદના પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે. જેહવે ઠંડીમાં ક્રમશઃ વધારો થશે. (file photo)