Site icon Revoi.in

ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીમાં થયો વધારો, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો

Social Share

રાજકોટઃ રાજ્યમાં અડધો શિયાળો પુરો થવા આવ્યો છતાં દિવસે જ નહીં પણ રાત્રે પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શહેરોની તુલનાએ ગામડાંમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ  2થી3 ડીગ્રી જેટલુ તાપમાન ગગડી જતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. રાજકોટ, અમરેલી, નલિયા, ગીરનાર પર્વત, ગાંધીનગર, અમદાવાદ સહિતનાં સ્થળોએ આજે સવારે  ઠંડીનો ચમકારો અનુભવતા  લોકો ફરી એકવાર ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા.

રાજ્યના  હવામાન વિભાગે તા.21થી ક્રમશ: ઠંડી વધવાની આગાહી કરી હતી. ત્યારે બુધવારથી તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો. દરમિયાન આજે ગુરૂવારે પણ લઘુતમ તાપમાનમાં  ઘટાડો નોંધાયો હતો. આજે ગીરનાર પર્વત ઠંડોગાર થઈ ગયો હતો અને સવારે 9 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડો પવન ફુંકાતા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા. રાજકોટ શહેરનું તાપમાન ફરી બે-ડિગ્રી જેટલું ગગડી ગયુ હતું. ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન 15.6 ડીગ્રી નોંધાયું હતું. જયારે આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન 13.6 ડીગ્રી નોંધાયુ હતું અને પવનની સરેરાશ ઝડપ 7 કી.મી. રહેતા શિતલહેર અનુભવાઈ હતી.
દરમિયાન આજરોજ રાજયમાં સૌથી વધુ ઠંડી કચ્છનાં નલિયા ખાતે નોંધાઈ હતી અને ફરીવાર આજે નલિયાનું તાપમાન 8.4 ડીગ્રી સાથે સિંગલ ડિઝીટમાં પહોંચી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નલિયામાં 10.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે આજે 8.4 ડીગ્રી નોંધાતા 24 કલાકમાં તાપમાનનો પારો બે ડીગ્રી ગગડયો હતો.

આ ઉપરાંત આજે અમદાવાદમાં પણ ગઈકાલની સરખામણીએ 2 ડીગ્રી તાપમાન નીચુ ઉતરતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. આજે સવારે અમદાવાદ ખાતે 12.8 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. જયારે અમરેલીમાં 14.5 અને વડોદરામાં 13.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં પણ આજે 24 કલાક દરમિયાન સવારનાં તાપમાનમાં 3 ડીગ્રીનો  ઘટાડો થયો હતો તથા ભાવનગરમાં 17 ભુજમાં 12 ડીગ્રી, દમણમાં 17.2, ડિસામાં 13.5, દિવમાં 14.5 દ્વારકામાં 16.9 તથા ગાંધીનગરમાં 11.9 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. છેલ્લા 24 કલાક દરમ્યાન ભુજમાં 2, ડિસામાં 2, દિવમાં 3 અને ગાંધીનગર ખાતે 1 ડીગ્રી તાપમાન ઘટયુ હતું. જયારે આજે સવારે કંડલામાં 15, ઓખામાં 21, પોરબંદરમાં 15.8, સુરતમાં 17.8 અને વેરાવળ ખાતે 18.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

ગિરનાર પર્વત ઉપર ઠંડી 9 ડીગ્રીએ પારો નીચે આવી જતાં વહેલી સવારથી સહેલાણીઓને ગુલાબી ઠંડીનો અનુભવ પ્રથમ વખત શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. સાથે ઈશાનનો ઠંડો પવન પ્રતિ કલાક 4.7 પ્રતિકલાકની ઝડપે ફેકાતા વહેલી સવારે અને રાત્રીના સ્વેટર-મફલર-ટોપી પહેરીને લોકો ઘરની બહાર નીકળી જોવા મળી રહ્યા છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ 16.6 ડીગ્રી, મીનીમમ 14 ડીગ્રીએ પારો પહોંચી ગયો છે. વાતાવરણમાં ભેજ 64 ટકા નોંધાયો છે. આજથી ઠંડીનો પારો વધુ નીચે ઉતરવાની આગાહી કરવામાં આવી રહી છે.