Site icon Revoi.in

ગાંધીનગરમાં વસતી 15 લાખ કરતા ઓછી હોવાથી નિયમ મુજબ પોલીસ કમિશનર કચેરી નહીં મળે

Social Share

ગાંધીનગરઃ શહેરમાં પોલીસ કમિશનરની જગ્યા ઊભી કરીને કચેરી કાર્યરત કરવાની વિચારણા ઘણા સમયથી ચાલી રહી છે. જો પોલીસ કમિશનર કચેરી કાર્યરત કરવામાં આવે તો શહેર અને જિલ્લા પોલીસનો વહિવટ અલગ કરવો પડે, એટલે કે કમિશનરની હકુમત શહેર પુરતી જ મર્યાદિત બની જાય, બીજું કે, ગાંધીનગર શહેરની એટલી વસતી નથી કે નિયમ મુજબ પોલીસ કમિશનર આપી શકાય, હાલ ગાંધીનગર શહેર-જિલ્લાની પોલીસ સારી કામગીરી કરી રહી છે. એટલે પોલીસ કમિશનર કચેરી નજીકના ભવિષ્યમાં શરૂ કરવામાં આવે તેમ લાગતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટનગર ગણાતા ગાંધીનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રીતે જળવાય તેમજ વીવીઆઇપી મૂવમેન્ટ ઉપરાંત સરકારી આયોજનો દરમિયાન પુરતો બંદોબસ્ત ફાળવી શકાય તે આશયથી રાજ્ય સરકારે ત્રણેક વર્ષ અગાઉ ગાંધીનગરમાં પોલીસ કમિશનરેટની જગ્યા ઉભી કરવાની જાહેરાત બજેટમાં કરી હતી. તે પછી આ દિશામાં પ્રક્રિયા શરૂ પણ થઇ હતી અને 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી ગાંધીનગરમાં પોલીસ કમિશર કચેરીની વિધિવત જાહેરાત થશે તેવી ચર્ચા પણ શરૂ થઇ હતી પરંતુ હવે સરકારે આ સમગ્ર આયોજન પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે.

ગૃહ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગાંધીનગરમાં આઇજી કક્ષાના પોલીસ કમિશનર, ડીસીપી તરીકે 4 આઇપીએસ અને એસીપી તરીકે ડીવાયએસપીની 12 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ પોલીસ કમિશનરેટ માટે તે વિસ્તારની 15 લાખની વસતી હોવી જરૂરી છે. આથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ હસ્તકના ચાંદખેડા તેમજ ગોતા, સોલા સુધીનો વિસ્તાર ગાંધીનગર પોલીસ કમિશનરેટની હદમાં ભેળવી દેવાનો પ્લાન બન્યો હતો. અમદાવાદ રૂરલનો કેટલોક વિસ્તાર પણ સમાવવાનો હતો. હાલની સ્થિતિએ ગાંધીનગરમાં અમદાવાદ સિટી અને ગ્રામ્ય પોલીસ હસ્તકનો વિસ્તાર ભેળવવા માટે કોઇ પ્રક્રિયા થઇ નથી. ગાંધીનગર માટે ડીસીપીની જે ચાર જગ્યાઓ ઉભી થઇ હતી તે જગ્યાઓ અન્ય શહેરો અને પોલીસ ભવનમાં તબદીલ કરી દેવામાં આવી છે. જેમ કે ડીજી વિજીલન્સના એસપીની જે જગ્યા છે તે મૂળ ગાંધીનગર પોલીસ કમિશનરેટ માટે મંજૂર કરાયેલી જગ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર પોલીસ કમિશનરેટ માટે સ્ટાફ, ઓફિસ સેટઅપ, સાધનો, વાહનો અને અન્ય માળખાકીય સુવિધા માટે બજેટમાં 14 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા પંરતુ કોરોના દરમિયાન આ ગ્રાન્ટ પણ અન્ય કામગીરી માટે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. ચાલુ વર્ષના બજેટમાં આ માટે નવી ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવી નથી. જોકે, સરકાર સુધારેલા બજેટમાં મંજૂર થાય તે રીતે ગ્રાન્ટ ફાળવી શકે છે પરંતુ હાલ તેનું પણ કોઇ આયોજન કરાયું નથી.