ગાંધીનગરઃ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લાના શહેરો, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સેવા 24×7 વિનામૂલ્યે ઉપલબ્ધ થઇ રહી છે, જે ગુજરાતના નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.
ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે 108 ઇમરજન્સી સેવા શરુ થઇ ત્યારથી ઓગસ્ટ-2023 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.52 કરોડથી વધુ ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક એટેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 51.37 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી અને માર્ગ અકસ્માતના કિસ્સામાં 18.72 લાખથી વધુ ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યારસુધીમાં કુલ 14 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે, તેમજ એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ 1.32 લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
ગુજરાતના અમરેલી, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, જામનગર, વલસાડ અને અમદાવાદ જિલ્લાના 108ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયન્સ-EMTs અને પાયલોટે ઇજાગ્રસ્તો પાસેથી મળેલી અંદાજે રૂ. 19.33 લાખની કિંમતની વસ્તુઓ-રોકડ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
108 ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2012થી કાર્યરત 467 જેટલી ખિલખિલાટ વાનનો 95 લાખથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૨૫૨ વાન થકી 2 કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 12.51 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 2.53 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.
ગુજરાતમાં વર્ષ 2017 માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ 48.68 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-2018 માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 654 જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં બે 108 બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના 8 જિલ્લાઓમાં વર્ષ 2019થી કાર્યરત 112 ઇમરજન્સી સેવા અંતર્ગત 1.43 કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. 108 દ્વારા ગુજરાતમાં નવતર પહેલના ભાગરૂપે વર્ષ 2020માં 1100 ટેલિ મેડિસિન એટલે કે ઘરે બેઠા ટેલિફોન પર ડૉક્ટરનું માર્ગદર્શન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તબીબી સલાહ, કાઉન્સેલીંગ, કોવિડ-19 અને વિવિધ આરોગ્ય સંબંધિ સેવાઓ માટે કુલ 2.34 લાખથી વધુ કોલ તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક એટેન્ડ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેમ 108 ચીફ ઓપરેટીંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.