દિલ્હી : ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની અવારનવાર ઘટના બનતી હોય છે.કોઈ ખામીના કારણે ફલાઈટનું લેન્ડીંગ કરવામાં આવતું હોય છે.ત્યારે ભારતના તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું ઈન્ડોનેશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ખામી બાદ પાયલટે આ નિર્ણય લીધો હતો. ફ્લાઈટને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ વિમાનમાં કોઈ ખામી જોવા મળી નથી. જોકે, વિગતવાર તપાસ માટે વિમાનને હજુ સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી નથી.
રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E-1007 તિરુચિરાપલ્લીથી સિંગાપોર જઈ રહી હતી પરંતુ રસ્તામાં પાયલટને પ્લેનમાં કંઈક સળગવાની ગંધ આવી. આ પછી તરત જ પાયલોટે નક્કી કરેલી પ્રક્રિયાને અનુસરીને વિમાનને નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કર્યું. આ પછી, એરક્રાફ્ટને ઇન્ડોનેશિયાના મેદાન વિસ્તારમાં કુઆલાનામુ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું.
લેન્ડિંગ બાદ એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી તો શરૂઆતમાં એરક્રાફ્ટમાં કોઈ ખામી જોવા મળી નથી, પરંતુ એરક્રાફ્ટ હજુ ઈન્ડોનેશિયાના એરપોર્ટ પર છે અને તેની વિસ્તૃત તપાસ બાદ જ તેને ઉડવાની મંજૂરી આપવામાં આવશે. વિમાનના મુસાફરોને અન્ય વિમાન દ્વારા સિંગાપોર મોકલવામાં આવ્યા છે.
અગાઉ એપ્રિલમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટનું તેલંગાણાના શમશાબાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વિમાન બેંગ્લોરથી વારાણસી માટે ઉડ્યું હતું. લેન્ડિંગ સમયે વિમાનમાં 137 મુસાફરો સવાર હતા