રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષે ઉનાળુ મગફળીનું સારૂએવું ઉત્પાદન થયુ છે, એટલું જ નહીં ગત વર્ષે ખરીફ સીઝનમાં પણ મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયુ હતું છતાંયે સિંગતેલ ભરવાની સીઝનમાં પણ લોકોને મોંઘાભાવે સિંગતેલ ખરીદવાની ફરજ પડી હતી. આજે સિંગતેલનો ડબ્બો 3100એ પહોચી ગયો છે. સિંગતેલના આસમાને પહોંચેલા ભાવથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. સિંગતેલનાં ભાવમાં 5 દિવસમાં બ્રાન્ડ પ્રમાણે રૂ. 50થી લઈને રૂ. 130નો વધારો નોંધાયો હતો. જેમાં શુક્રવારે ફરી સીંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં ડબ્બો 3100 રૂપિયે પહોંચ્યો છે.
સીંગતેલનાં હોલસેલ વેપારીઓના કહેવા મુજબ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનાં ઉત્પાદને ફટકો પડવાની આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. છેલ્લા પાંચેક દિવસમાં જ બ્રાન્ડ મુજબ રૂ. 50થી વધુનો વધારો નોંધાયો છે. શુક્રવારે રૂપિયા 30ના ઉછાળા સાથે ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130 સુધી ઉછાળો નોંધાયો છે.
સિંગતેલના ઓઈલ મિલરોના કહેવા મુજબ સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રૂપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. આ પહેલા ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજે 150 રૂપિયા ઘટ્યા હતા. જોકે, ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઈ છે. અને ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. દોઢ મહિનાથી વરસાદ નથી. પરિણામે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન છે. વિઘા દીઠ ઉત્પાદન ઘટી શકે છે. જોકે, નવરાત્રિ દરમિયાન મગફળીની આવક થવાની શક્યતા છે. આ નવી આવક થાય તો નવરાત્રિ બાદ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. પરંતુ હાલ તો ભાવમાં ઘટાડો થવાના કોઈ સંકેતો દેખાતા નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જેમાં 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે એવુ ઓઈલ મિલરોનું માનવું છે.. જોકે, આગોતરા વાવેતર થઈ ગયા હતા તેવી મગફળી તો બજારમાં આવવા લાગી છે. તેમજ સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ ખાસ વાંધો નથી. પરંતુ જ્યાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે ફરી વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શક્યતા નથી.