પતિના દીર્ઘાયુષ્ય માટે બહેનોએ ઊજવ્યું વટ સાવિત્રીનું વ્રતઃ બહેનોએ વડની પૂજા-અર્ચના કરી
અમદાવાદ : પ્રાચીન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનું ખુબ મહત્વ રહેલું છે. વર્ષના બારે મહિના કોઈને કોઈ વાર તહેવાર કે વ્રત ધાર્મિક દૃષ્ટિએ મનાવવામાં આવતા હોય છે. જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે. બહેનો પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરતી હોય છે. જેઠ માસની પૂર્ણિમાએ ઊજવવામાં આવતું એવું જ એક વ્રત એટલે વટ સાવિત્રી, અમદાવાદ સહિત રાજ્યભરમાં વટ સાવિત્રીનું પર્વ ઊજવવામાં આવ્યું હતું. બહેનોએ મંદિરોમાં જઈને મંદિરના પ્રાંગણમાં આવેલા વડની પૂજા કરી હતી.
જેઠ માસની અજવાળી પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રત ની ઊજવણી કરવામાં આવે છે. વ્રતના દિવસે બહેનો સોળે શણગાર સજી મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત સાથે ઉપવાસ કરી વ્રતની ઊજવણી કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આદિ અનાદી કાળથી વડ સાવિત્રીના વ્રત સાથે સત્યવાન અને સાવિત્રીની કથા પ્રચલિત છે. સતી સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિ ના પ્રાણ પાછા લાવી આદર્શ નારીત્વ અને પતિવ્રતા ધર્મનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. જેથી આજે પણ બહેનો વડ સાવિત્રી પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે વડના ઝાડ ફરતે પ્રદક્ષિણા કરી સૂતરના તાંતણા બાંધી મંગળ કામના કરે છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં વટ સાવિત્રીનું પર્વ ઉલ્લાસથી ઊજવાયું હતું. ભાવનગરમાં અનેક સ્થળો પર આજે શિવ મંદિરોમાં દર્શન કરી વડના ઝાડની પ્રદક્ષિણા કરી વ્રતધારી બહેનોએ અબીલ, ગુલાલ, કંકુ ચોખા, ફૂલો અને જળ ચડાવી પૂજન કર્યું હતું. તેમજ વડના ઝાડ ફરતે સૂતર ના તાંતણા બાંધી પ્રદક્ષિણા કરી હતી.