અમદાવાદઃ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની હતા. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતાં પરિવારજનો અને ગ્રામજનો મૃતકોના મૃતદેહોને વાહનો મારફત ગામમાં લાવવામા આવતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી શનિવારે સુણદા ગામમાં કોઇના ઘરે ચુલો ન સળગ્યો, અને ગામમાં એકસાથે છ લોકોની અર્થી ઉઠતા હૈયાફાટ આક્રંદના દૃશ્યો સર્જાયાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર કપડવંજ તાલુકાના સુણદા ગામમાં અકસ્માતનો ભોગ બનેલા મૃતક પરિવારના ઘર બહાર એક બાદ એક મૃતદેહને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. છ વ્યક્તિઓ સુણદા ગામના, બીજા ત્રણ મહીસાગર જિલ્લાના, બાલાસિનોર તાલુકાના તો અન્ય એક કઠલાલ તાલુકાના મળી કુલ 12ના મોત થયા હતા. જે તમામે તમામ કૌટુંબિક સગા થાય છે. ગામના પ્રવેશ કરવાના રસ્તા પર આવેલા રામદેવપીર મંદિર નજીક રહેતા આ ઝાલા પરિવારના કુટુંબમાં જાણે કાળ ભરખી ગયો હોય એમ બાર લોકોનાં મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી. આટલું જ નહીં, પરંતુ આખું ગામ હીબકે ચઢ્યું હતું. અંદાજિત ચાર હજારની વસતિ ધરાવતા આ ગામમાં મોટા ભાગના લોકોનાં ઘરે ચૂલો સળગ્યો નહોતો. તો કેટલાકને ગળેથી કોળિયો પણ ઊતર્યો નહોતો અને સૌકોઈ ગ્રામજનો દુઃખમાં આ ઝાલા પરિવારના ઘરે આવી પડખે ઊભા રહ્યા હતા. મૃતકોના મૃતદેહો આવતાં જ અંતિમસંસ્કાર વિધિ કરવાનો નિર્ણય પરિવારજનોએ કર્યો હતો. ગામના એક જ પરિવારના છ લોકોની અર્થીને પરિવારના સભ્યો અને ગ્રામજનોએ કાંધ આપી સ્માશાન સુધી લાવવામાં આવી હતી, જ્યાં એકીસાથે છ ચિતાને અગ્નિસંસ્કાર થયા હતા. આ બનાવના પગલે સુણદા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતે 12 લોકોની જિંદગી નષ્ટ કરી દીધી હતી. અંતિમવિધિ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કપડવંજ મામલતદાર. તાલુકા વિકાસ અધિકારી સાથે પોલીસ અધિકારી સહિત મોટી સંખ્યામાં જિલ્લાના લોકો જોડાયા હતા.