દિલ્હીઃ ઈઝરાઈલમાં સૌથી સુરક્ષિત મનાતી ગિલોબા જેલમાંથી છ કેદીઓ ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે. ભાગનારા તમામ કેદીઓ ફિલીસ્તાની નાગરિક હતા અને તેમની ઉપર હત્યા અને હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુના નોંધાયેલા હતા. ઈઝરાઈલના વડાપ્રધાન નેફટાલી બેનેટને બનાવની જાણકારી આપવામાં આવી છે. જે બાદ તેમણે કેબિનેટમાં સમગ્ર ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ સમગ્ર પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ કર્યાં હતા. કેદીઓએ કાટ ખાઈ ગયેલી ચમચીઓની મદદથી સુરંગ ખોદીને ફરાર થવામાં સફળ થયા હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ફિલીસ્તીની આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી ભાગવાની યોજના બનાવી રહ્યાં હતા. આ માટે તેમણે વોશ બેસિંનની નીચે સુરંગ ખોદવાની શરૂઆત કરી હતી. જ્યાં આ જગ્યા છે તેની પાસે જેલની દીવાર અને બહારની સાઈટ રસ્તો પડે છે. રસ્તો ક્રોસ કર્યા બાદ ખુલ્લા ખેતરો છે. જેથી અંહી સ્થાનિક ખેડૂતો સિવાય મોટાભાગે કોઈ આવતું નથી. આ કેદીઓ સુરંગમાંથી નીકળીને રસ્તો ક્રોસ કરીને ખેતરો તરફ ગયા હતા. કેટલાક ખેડૂતોએ આ કેદીઓને જોયા હતા અને ઈઝરાઈલી અધિકારીઓને જાણકારી આપી હતી. જે બાદ તપાસ શરૂ કરતા સુરંગ મળી આવી હતી. સોશિયલ મીડિયામાં રસ્તાના ફોટો વાયરલ થયાં છે. જેમાં ફિલિસ્તીની કેદીઓ ખેતરો તરફ જતા જોવા મળે છે. આ અંગે હજુ સુધી પોલીસે સત્તાવાર કોઈ માહિતી આવી નથી. કેદીઓની તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસ ડ્રોન અને કેલિકોપ્ટરની મદદથી આરોપીઓને શોધી રહી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ ટુંક જ સમયમાં જેલમાંથી ફરાર થનારા કેદીઓને ઝડપી લેશે.
ઈઝરાઈલની જેલમાંથી છ કેદીઓ ભાગવાની ઘટનાની જાણ થતા વેસ્ટ બેંક અને ફિલીસ્તીનના અનેક વિસ્તારમાં લોકોએ મીઠાઈ વહેંચી હતી. રાહદારીઓને રોકીને મીઠાઈ ખવાડાવી ખુશી વ્યક્ત કરી હતી. ઈઝરાઈલની પોલીસની સાથે ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.