મુંબઈઃ ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓ સક્રીય થયા છે. બીજી તરફ નારકોર્ટીગ કન્ટ્રોલ બ્યુરો સહિતની સુરક્ષા એજન્સીઓ પણ ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાતના દરિયામાંથી કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે રૂ. 150 કરોડના હેરોઈનના જથ્થા સાથે આઠ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. દરમિયાન આજે કેરળના દરિયામાંથી એક બોડમાંથી નૌકાદળે 300 કિલો ડ્રગ્સ સાથે પાંચ શ્રીલંકન નાગરિકોને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. આ ડ્રગ્સની કિંમત 3 હજાર કરોડ હોવાનું જાણવા મળે છે.
નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે પેટ્રોલિંગ જહાજ આઈએનએસ સુવર્ણા અરબ સાગરમાં પેટ્રોલીંગ કરતુ હતું ત્યારે એક શંકાસ્પદ માછીમારી બોટ આવી હતી. તેની તપાસ કરતાં તેમાંથી ડ્રગ્સ મળ્યું હતું. તેમજ પાંચ શ્રીલંકન નાગરિકોની ધરપકડ કરી વધુ તપાસ માટે કોચી લવાયા છે. આ મોટો જથ્થો પાકિસ્તાનના મકરાણ કાંઠેથી રવાના થયો હતો. એ જથ્થો ભારત, શ્રીલંકા અને માલદિવ્સ પહોંચાડવાનો હતો.કાં ઠે લવાયેલા માછીમારોની નૌકાદળ, નાર્કોટિક્સ બ્યુરો અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ થઈ રહી છે. નૌકાદળના નાર્કોસ કમાન્ડોએ આ બોટને ઘેરી લઈ ડ્રગ્સ પકડી પાડયું હતું.
સમુદ્ર કાંઠે ૨૦ કિલોમીટર પછીના વિસ્તારમાં નૌકાદળના જહાજો પેટ્રોલિંગ કરતાં હોય છે. ૨૦ કિલોમીટર સુધીનો વિસ્તાર કોસ્ટ ગાર્ડના તાબામાં હોય છે. નૌકાદળના સર્વેલન્સ જહાજ આઈએનએસ સુવર્ણાના ધ્યાને આવ્યું હતું કે મધદરિયે એક હોડી શંકાસ્પદ હિલચાલ કરી રહી છે. પરંતુ એક્ઝેટ હોડી ક્યાંથી મળી તેની જાણકારી નૌકાદળે આપી ન હતી. જેથી ભવિષ્યમાં ત્યાંથી નીકળનારા ડ્રગ હેરાફેરી કરનારા સાવધાન થઈ પોતાનો રસ્તો બદલી ન નાખે.