ચોમાસામાં કેટલાક લોકોને સ્કીનને લગતી સમસ્યાઓ થતી હોય છે. કારણ એ હોય છે કે ચોમાસામાં ક્યારેક ગરમીનો અનુભવ થાય તો ક્યારેક ઠંડા વાતાવરણનો, સાથે સાથે ભેજવાળી હવા પણ કેટલાક લોકોને માફક આવતી નથી અને છેલ્લે તેના કારણે તેમને સ્કીનને લગતી સમસ્યાઓ થઈ જતી હોય છે. આવામાં જે લોકોને આ પ્રકારની સમસ્યા થતી હોય તે લોકો કેટલાક ઘરેલુ ઉપાયથી સમસ્યાથી રાહત મેળવી શકે છે.
કેટલાક લોકોને સ્કીન પર ફોડલી જેવી અને પીમ્પલ જેવી સમસ્યા થતી હોય છે તો તે લોકોએ સૌથી પહેલાતો કઢી પત્તાનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે વાત કરવામાં આવે તો કઢી પત્તાને પણ એક પ્રકારની ઔષધિ માનવામાં આવે છે જે ભોજનનો સ્વાદ વધારે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો છે, જે ત્વચા પરના ઘાવને ઝડપથી રૂઝાવવામાં અસરકારક છે. કઢી પત્તાની દેશી સારવાર અપનાવવાથી ત્વચા પરની બળતરા પણ ઓછી થવા લાગે છે. તમારે દરરોજ 3 – 4 કઢી પત્તા ચાવવા પડશે. આ રેસિપી લોહીને શુદ્ધ કરવામાં કામ આવશે.
આ ઉપરાંત આયુર્વેદમાં લીમડાના પાંદડાને તમામ પ્રકારની સમસ્યાઓની સારવાર માટે શ્રેષ્ઠ ગણાવ્યા છે. લીમડાનું મહત્વ એટલું છે કે તેના ઘણા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે. વરસાદમાં ઘાવને મટાડવા માટે લીમડાના પાન લઈને તેને પીસી લો અને આ પેસ્ટને ઘાવની જગ્યા પર લગાવો. લીમડાના એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો ત્વચાને સાજા કરવામાં મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે તૈયાર કરવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે, પણ જો કોઈ સમસ્યા સર્જાય તો ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.