Site icon Revoi.in

અમરનાથમાં આકાશી આફત, વાદળો ફાટ્યા, શ્રદ્ધાળુઓના 25 ટેંટ તણાયા, 13નાં મોત

Social Share

નવી દિલ્હીઃ  જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે સમી સાંજે વાદળો ફાટવાથી અફરા-તફરી મચી ગઇ હતી.  જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ આ ઘટનામાં 3 મહિલા સહિત 13 શ્રદ્ધાળુના મોત નિપજ્યા છે. શ્રદ્ધાળુઓના 25 ટેન્ટ તણાયા હતા અને 45 શ્રદ્ધાળુ ફસાયા હતા. વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાના એકથી બે કિલોમીટરના વિસ્તારમાં સર્જાઈ હતી. રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

સ્થાનિક ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે સમી સાંજે વાદળો ફાટવાથી અફરા-તફરી મચી ગઇ હતી.  જે સમયે વાદળ ફાટ્યું તે સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા પહાડોમાંથી પાણીનો પ્રવાહ એક સાથે વહેવા લાગ્યો હતો, જેને પગલે શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટેંટ અને ત્રણ લંગર તણાઈ ગયા હતા. વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા અને લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે અને તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ સેના, ITBP, CRPF, BSF, NDRF અને SDRF ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યું છે. NDRFના DG અતુલ કરવાલે જણાવ્યું કે લોકોને સુરક્ષિત રીતે કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે વાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે બાબા અમરનાથજીની ગુફા નજીક વાદલ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અંગે મે LG મનોજ સિંહા  સાથે વાત કરી સ્થિતિ અંગે જાણકારી મેળવી છે. લોકોના જીવ બચાવવા તે અમારી પ્રાથમિકતા છે. વાદળ ફાટવાની ઘટના આશરે 5:30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે વરસાદ વરસતો બંધ થઈ જતાં બચાવ કાર્યમાં રાહત થઈ છે.