Site icon Revoi.in

સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે, મુસાફરી આરામદાયક રહે તેવી ડિઝાઈન

Social Share

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં આધુનિક સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ જેટલી વંદે ભારત ટ્રેન ટ્રેક પર દોડી રહી છે. ત્યારે હવે રેલ્વેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ તથા મેટ્રો શહેરો માટે વંદે મેટ્રોને લઈને એક નવું અપડેટ આપ્યું છે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો રેલ ટૂંક સમયમાં પાટા પર દોડતી થઈ જશે. લાંબા અંતરની મુસાફરી માટે વંદે ભારતને ચલાવવા માટે રેલ્વે ટૂંક સમયમાં તેને સ્લીપર કોચ સાથે શરૂ કરવા જઈ રહ્યું છે. આ સાથે ટૂંકા અંતરના શહેરો વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન તરીકે વંદે મેટ્રો દોડવા જઈ રહ્યું છે.

રેલવેએ સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે. જે ટ્રેનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકી છે. તેની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, આ ટ્રેન મુસાફરોને ફ્લાઈટ જેવી અનુભૂતિ આપવા જઈ રહી છે. રેલવેના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ ટ્રેનોની ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને તેને મુસાફરો માટે ખોલવામાં આવશે.

વંદે ભારત સ્લીપર લક્ઝરી ટ્રેન પાટા પર ઉતારવા માટે લગભગ તૈયાર છે. બસ તેના માટે રેલવે તરફથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોવાઈ રહી છે. આ ટ્રેનમાં મુસાફરોને ફ્લાઈટ જેવી સુવિધા મળશે. માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેલવે તેને ઓગસ્ટ મહિનામાં શરૂ કરી શકે છે. ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો તેની મેક્સિમમ સ્પીડ 220 કિલોમીટર પ્રતિ કલાક હશે. જ્યારે શરૂઆતની સ્પીડ 140 કિમી રહેશે.

લાંબા અંતરની મુસાફરી હેતુ વંદે ભારત સ્લીપર ટ્રેનને ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. લોકોની મુસાફરી આરામદાયક રહે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધોરણો પર કરવામાં આવ્યું છે. વંદે ભારત ટ્રેનની સરખામણીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનનો આગળનો ભાગ ગરુડ જેવો આકાર આપવામાં આવ્યો છે. ટ્રેનમાં 16 બોગી હશે.

વંદે મેટ્રોમાં અલગ એન્જિનની જરૂર નહીં પડે. તેમની બોગીમાં જ એન્જિન લગાવવામાં આવશે. દરેક બોગીમાં 100 મુસાફરોને બેસવા માટે સીટ હશે. બાકીના લોકો ઉભા રહીને પણ મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત ઊભા રહીને મુસાફરી કરનારા માટે અલગ બોગી પણ લગાવવામાં આવશે, જેમાં 200 મુસાફરો બેસી શકશે.

એક માહિતી પ્રમાણે રેલવે દેશના 124 શહેરોમાં વંદે મેટ્રો ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ટ્રેન લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-મથુરા, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈ જેવા શહેરોમાં ચલાવવામાં આવશે. આમ કહી શકાય કે દેશની ગતિ આગળ ધપાવવામાં વંદે ભારત, વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો પણ યશકલગી પુરવાર થશે.