Site icon Revoi.in

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવેના સિક્સલેનનું ધીમીગતિએ ચાલતુ કામ, વાહનચાલકોને મુશ્કેલી

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર તરફ જવા માટે મુખ્ય ધોરી માર્ગ ગણતો અમદાવાદ-રાજકોટ વચ્ચેના નેશનલ હાઈવેને સિક્સલેન કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. હાઈવે પર નવા બ્રિજ બનાવવાથી લઈને હાઈવેને પહોળો કરવાનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકે તેમ નથી.  બીજીબાજુ ઠેર ઠેર અપાયેલા ડાયવર્ઝનને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિલોમીટરના હાઈ-વેને સિક્સ લેન કરવાનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હજુ પણ આ હાઈ-વેનું કામ ક્યારે પૂરું થશે? તે કહેવું મુશ્કેલ છે. પાંચ વર્ષથી ચાલતા આ પ્રોજેક્ટના લીધે હાઈ-વે પર અનેક ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પણ બ્લોક થયા છે. સરકાર દ્વારા છેલ્લે જાહેર કરવામાં આવેલા તારીખ મુજબ 30 જૂન, 2023ના રોજ આ કામ પૂરું થવાનો વાયદો આપવામાં આવ્યો હતો પણ હાલની કામ કરવાની ચાલતી સ્થિતિ જોતા નિયત સમયમર્યાદામાં કામ પુરૂ થઈ શકેશે નહીં.

રાજકોટના જાણીતા વકીલ અને RTI એક્ટિવિસ્ટ એવા શૈલેન્દ્રસિંહ જાડેજાના કહેવા મુજબ ગત જાન્યુઆરી મહિનામાં તેમના દ્વારા આ અંગે RTI કરી વિગતો માગવામાં આવી હતી. રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઇ-વે કામગીરી અંગે કોઈ જ માહિતી કે પ્રોગ્રેસ રિપોર્ટ અંગે કોઈ જ જગ્યાએ દર્શાવવામાં આવી રહી નથી. આ હાઇ-વેનું કામ કેટલા સમયમાં પૂર્ણ કરવાનું હતું? કોન્ટ્રાકટર કોણ છે? કેટલી નોટિસ આપવામાં આવી છે? કેટલો દંડ ફટકારવામાં આવ્યો? અને હવે કામ ક્યારે પૂરું થશે? સહિતની વિગતો માંગી RTI કરવામાં આવી હતી. જો કે, આ RTIના જવાબમાં તેમને કેટલીક રસપ્રદ અને ચોંકવનારી વિગતો પ્રાપ્ત થઇ છે.

હાઈવે ઓથોરિટી દ્વારા મળેલા જવાબ મુજબ, અમદાવાદ અને રાજસ્થાનના બે કોન્ટ્રાક્ટરોને હાઈ-વેના ચાર સેક્શન માટે કામ સોંપવામાં આવ્યું હતું. તેમણે માત્ર 60 ટકા કામ કર્યું છે અને 40 ટકા કામ હજુ પણ બાકી છે. આ બંને કોન્ટ્રાક્ટરોને જાન્યુઆરી 2019માં કામ આપવામાં આવ્યું હતું. કામ પૂરું થવાની ડેડલાઈન જાન્યુઆરી, 2020 હતી. આ ઉપરાંતસાયલા-બામણબોર વિસ્તારનું કામ આ કોન્ટ્રાક્ટરને સોંપાયું હતું. બંને વચ્ચે થયેલા પત્રવ્યવહાર પ્રમાણે, ઓથોરિટીએ કોન્ટ્રાક્ટરની આર્થિક તંગીને માન્ય રાખી હતી. પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે સબ-કોન્ટ્રાક્ટિંગની મંજૂરી આપી હતી અને સબ-કોન્ટ્રાક્ટરને ડાયરેક્ટ પેમેન્ટ કરવાની ગોઠવણ કરી હતી પરંતુ, કોન્ટ્રાક્ટરે ત્રણ મહિના વેડફ્યા હતા અને ઓક્ટોબર 2022માં ટ્રાય-પાર્ટી અગ્રીમેન્ટ કર્યો હતો. 24 નવેમ્બર 2022ના રોજ ઓથોરિટીના એન્જિનિયરે ધ્યાન દોર્યું કે, કોન્ટ્રાક્ટર કે સબ-કોન્ટ્રાક્ટરે શ્રમિકો, મશીનરી અને મટિરિયલ (સિમેન્ટ, સ્ટીલ, ડામર વગેરે) ઓથોરિટીની પૂર્વમંજૂરી વિના જ ત્યાંથી હટાવવાનું શરૂ કરી દીધું હતું. હાઈ-વેના બગોદરા-લીમડી સેક્શનનું કામ પણ આ જ કોન્ટ્રાક્ટરને સોંપવામાં  આવ્યું હતું,

સૂત્રોએ ઉમેર્યું હતુંકે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર રાજકોટથી લીંબડી સુધીનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જયારે લીંબડીથી અમદાવાદનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે. સમયસર કામ પૂરું ન કરવા છતાં સરકાર દ્વારા એજન્સીને શિક્ષાત્મક કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ આ જ ગતિએ કામ ચાલશે તો આગામી એક વર્ષ સુધી આ કામ પૂરું થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.