મોરબી : દેશમાં પણ વૈશ્વિક મંદીની અસર જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના મોરબીના સિરામિક ઉદ્યોગને પણ મંદીનું ગ્રહણ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝ એક મહિના માટે બંધ કરવા કઠોર નિર્ણય લેવાયો છે. આગામી 10 ઓગસ્ટથી મોરબીના વોલ ટાઇલ્સ સિવાયના તમામ સિરામિક યુનિટ એક મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે ગત ઓગસ્ટ માસથી અવિરત વધી રહેલા નેચરલ ગેસના ભાવ વધારાને કારણે સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો પડયો છે, બાકી હતું તો અન્ય રોમટિરિયલના ભાવમાં પણ નેચરલ ગેસની જેમ જ બમણા જેટલો ભાવ વધારો થયો છે. બીજી તરફ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માગ તળિયે બેસી જતા સિરામિક ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાયો છે. જેથી આગામી 10 ઓગસ્ટથી 500થી વધુ જેટલા એકમો એક મહિના માટે બંધ કરાશે.
મોરબી સિરામિક એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં 50થી વધુ જેટલા સિરામિક એકમો બંધ છે ત્યારે આગામી 10 ઓગસ્ટથી વિટરીફાઇડ, પાર્કિંગ અને પોર્સલિન ટાઇલ્સનું ઉત્પાદન કરતા 400થી વધુ એકમો બંધ કરવામાં આવશે. સાથે ફ્લોર ટાઇલ્સના પણ 150 જેટલા એકમો બંધ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મોરબી સિરામિક ક્લસ્ટર હેઠળ આવેલા વોલ ટાઇલ્સ એકમો પણ એક મહિનામાં માટે બંધ કરવા અંગે ટૂંક સમયમા નિર્ણય લેવાશે. એક સાથે 80થી 90 ટકા સિરામિક કારખાનાઓ બંધ થવાથી શ્રમિકોને રોજગારી ઉપરાંત ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ધંધાઓને પણ મરણતોલ ફટકો પડવાની સાથે ગુજરાત ગેસ કંપનીને પણ જોરદાર રેલો આવે તેમ હોવાનું મનાઇ રહ્યું છે
સૂત્રોએ ઉમેર્યું હતું કે હવેથી દર વર્ષે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં એક મહિના માટે શટડાઉન માટે ગંભીર પણે વિચારણા ચાલી રહી છે અને શટડાઉન બાદ ટાઇલ્સ સહિતની સિરામિક પ્રોડક્ટના ભાવમાં વધારો કરવા પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. વધુ 500 જેટલા સિરામિક યુનિટ બંધ થતાં આશરે 1 લાખથી વધુ મજૂરોની રોજગારી પર અસર પડશે સાથે સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા ધંધાઓ તેમજ વેપારીઓ સહિતની રોજગારીને પણ અસર કરશે સરકારે મોરબીના મહાકાય સિરામિક ઉદ્યોગને પડી ભાંગતો બચાવવા અને સિરામિક ઉદ્યોગના વિકાસ માટે સરકારે આગળ આવી મદદરૂપ થવું જરૂરી બન્યું છે.