Site icon Revoi.in

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી, રત્નકલાકારોને આર્થિક પેકેજ આપવા PMને આવેદનપત્ર અપાશે

Social Share

સુરતઃ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેમજ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની તંગદિલીને પગલે છેલ્લા કેટલાક મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મદીનો દૌર ચાલી રહ્યો છે. સુરતમાં હીરાના અનેક કારખાનાં બંધ થઈ ગયા છે. રત્ન કલાકારો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માગ ઊભી થઈ છે. તા, 17મી ડિસેમ્બરે સુરતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. અને રત્ન કલાકારોને સહાય આપવાની માગ કરવામાં આવશે.

ડાયમંડ વર્કર યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીમાં મંદીનો દૌર ચાલી રહ્યો છે. અસંખ્ય રત્નકલાકારો બેરોજગાર છે. દિવાળી બાદ ઘણાબધા કારખાનાઓ ખૂલ્યા નથી. 20 ટકા જેટલા જ કારખાના હાલમાં શરૂ થયા છે. બીજી બાજુ વિશ્વમાં સુરત શહેરનું નામ ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે. જેના થકી ડાયમંડ બુર્સનું નિર્માણ થયુ છે. એના ઉદઘાટન માટે વડાપ્રધાન 17મીએ આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં રત્નકલાકારોની હાલત કફોડી છે. તેથી સરકાર સમક્ષ વારંવાર માગણીઓ કરી હતી કે, જે રત્નકલાકારો બેરોજગાર છે તેને આર્થિક પેકેજ જાહેર કરો. છેલ્લા 5 મહિનામાં 30 રત્નકલાકારોએ આપઘાત કર્યા છે. તેના પરિવારને આર્થિક મદદ આપવામાં આવે અને રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના જાહેર કરો. આ માગણીઓ લઇને સતત સરકારનું ધ્યાન દોર્યું છે. છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન સુરત આવી રહ્યા છે. ત્યારે આશા છે કે, સરકાર રત્નકલાકારો માટે કોઈપણ નિર્ણય લેશે. જો કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે. (FILE PHOTO)