ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે ખાનગી ક્ષેત્રમાં પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં ગુજરાત વીજ ઉત્પાદનમાં પ્રથમસ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા નદી, ઝરણા અને કેનાલો પર વહેતા પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટેના નાના પ્લાન્ટ નાંખવાની સ્મોલ હાઇડલ પોલિસી અને પવનચક્કીથી વીજળી ઉત્પન્ન કરવાની વિન્ડ પાવર પોલિસીની મુદ્દતમાં ફરી એકવાર 6 મહિનાનો વધારો કરાયો છે. આ બંને પોલિસી સપ્ટેમ્બર 2023 સુધી અમલી રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે વર્ષ 2016માં નાના પ્લાન્ટ કાર્યરત કરીને પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે એકમોને આકર્ષવા માટે સ્મોલ હાઇડલ પોલિસી જાહેર કરી હતી. ગુજરાતમાં નર્મદા કેનાલનું વિશાળ નેટવર્ક ઉપરાંત નદી અને ચોમાસા દરમિયાન અનેક સ્થળોએ નીકળતા ઝરણામાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે એકમોને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીનો સમયગાળો વર્ષ 2016થી 2021 સુધીનો હતો. જેની સમયમર્યાદા પૂર્ણ થઇ ગયા બાદ સમયાંતરે મુદ્દત વધારવામાં આવી હતી. 31 માર્ચે આ મુદત પણ પુરી થઇ જતાં ઉર્જા વિભાગ દ્વારા વધુ એકવાર એપ્રિલથી સપ્ટેમ્બર 2023 સુધી 6 મહિના માટે પોલિસીની અવધિ લંબાવવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ જ સમયગાળામાં પવનચક્કીથી પવન ઉર્જા ઉત્પન્ન કરતા એકમોને આકર્ષવા માટે વિન્ડ પાવર પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી. રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિન્ડ ઝોનમાં આવે છે, જેથી વિન્ડ પાવર પ્લાન્ટ માટે રોકાણકારોને પ્રોત્સાહન આપવા આ પોલિસી અમલી બનાવાઇ હતી. જેનો સમયગાળો પણ 2021માં પુરો થયા બાદ મુદત વધારાઇ હતી. હવે આ મુદતમાં પણ 6 મહિના એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2023 સુધીનો વધારો કરાયો છે. આ સમયગાળા દરમિયાન આ બંને પોલિસીના લાભો અને પોલિસી હેઠળ નવી નોંધણીની પ્રક્રિયા પણ ચાલુ રહેશે.