Site icon Revoi.in

ગુજરાતમાં નાની બચત યોજનાની કચેરીઓ કાયમી ધોરણે બંધઃ સ્ટાફની અન્ય સ્થળોએ પર ફાળવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે નાની બચત યોજનામાં રોકાણકારોનો દબદબો હતો. હવે સરકારને જ નાની બચત યોજનામાં રસ રહ્યો નથી. એટલે નાની બચત યોજનાની કચેરીઓ બંધ કરવામાં આવી રહી છે. નાની બચતની અમદાવાદની કચેરી અને જિલ્લાઓની નાની બચત કચેરીઓની કામગીરી ગુજરાતમાં કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. નાની બચતની યોજનાઓના એજન્ટોની એજન્સી રદ કરાઇ રહી હોવાથી કામગીરીનું પ્રમાણ લગભગ સમાપ્ત થઇ ગયું છે. તેથી નાની બચત કચેરીઓના નાયબ નિયામકથી લઇને તમામ સ્ટાફની જગ્યાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. અધિકારી-કર્મચારીને પણ ગાંધીનગર અને સંબંધિત કલેક્ટર કચેરી ખાતે પરત ફાળવી દેવામાં આવ્યા છે. હવે પછી રેકર્ડને લગતી કામગીરી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય બચત સંસ્થાન કચેરી દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓની કામગીરી માટે રાજ્યના નાણા વિભાગના નિયંત્રણ હેઠળ અમદાવાદની નાયબ નિયામકની કચેરી નોડલ એજન્સી તરીકે કાર્યરત હતી. 2005ના વર્ષથી ગુજરાત સરકારે કેન્દ્રીય સહાય ન લેવી પડે તેવું ધોરણ અપનાવ્યું હતું. નવા એજન્ટોની નિમણૂક, પ્રોત્સાહન માટેનું અનુદાન અને યોજનાની પ્રસિધ્ધિ કરવાનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. અમદાવાદની નાયબ નિયામકની કચેરી અને જિલ્લાઓની નાની બચત કચેરીઓ દ્વારા હાલ સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ અને મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના જેવી યોજનાઓની એજન્સીઓ રદ કરવાની જ કામગીરી કરાતી હોવાથી કામગીરીનું પ્રમાણ નહિવત્ અને ઝીરો વર્ક લોડ થઇ ગયો હતો. તેથી 10-10-2021થી અમલમાં આવે તે રીતે રાજ્યના નાયબ નિયામક-અમદાવાદ અને જિલ્લાની કચેરીઓની કામગીરી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, નાયબ નિયામકથી લઇને નાયબ મામલતદાર, હિસાબનીશ વગેરે મળીને કુલ 47 જેટલી જગ્યા મંજૂર થયેલી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે. નાણા વિભાગના ઠરાવમાં વધુમાં જણાવાયું છે કે, નાની બચતના એજન્ટોની એજન્સીઓ રદ કરવાની કામગીરી સંબંધિત જિલ્લા કલેક્ટરની કચેરીઓને તબદીલ કરાઇ છે. અમદાવાદની કચેરી બંધ થવાથી બાકી રહેલું કામકાજ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેથી કરવામાં આવશે. તેવી જ રીતે જિલ્લા કક્ષાની કચેરીઓનું આ કામગીરીને સંલગ્ન રેકર્ડ પણ સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતર કરવામાં આવશે.