Site icon Revoi.in

સ્માર્ટ સિટી એવોર્ડઃ અમદાવાદ, સુરત અને વડોદરાને નવ એવોર્ડ મળ્યાં

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધામાં ગુજરાતના 3 શહેરોને નવ જેટલા એવોર્ડ જાહેર કર્યાં છે. રાષ્ટ્રીય સ્માર્ટ સિટીમાં સમગ્ર દેશમાં સુરત બીજા ક્રમે, ટકાઉ બિઝનેશ મોડલ શ્રેણીમાં પ્રથમ ક્રમે અમદાવાદ, સ્વચ્છતા ક્રમમાં અમદાવાદ શહેર બીજા ક્રમે આવ્યો છે. આવી જ રીતે હોસ્પિટલ વ્યવસ્થાપન શ્રેણીમાં વડોદરા પ્રથમ ક્રમે રહ્યો છે.

વર્ષ 2022 માં લેવાયેલી ભારતની સ્માર્ટ સિટીઝ એવોર્ડ સ્પર્ધાના 66 અંતિમ વિજેતાઓના નામોની ગઇકાલે જાહેરાત કરવામાં આવી છે. તેમાં, રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરાને જુદી જુદી શ્રેણીમાં ચાર-ચાર અને વડોદરાને એક એમ કુલ નવ એવોર્ડ જાહેર થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 27મી સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ રાષ્ટ્રીય સ્માર્ટ સિટી એવોર્ડમાં ઈન્દોર પહેલા ક્રમે, સુરત બીજા ક્રમે અને આગ્રા ત્રીજા ક્રમે આવ્યું છે. ટકાઉ બિઝનેસ મોડલ શ્રેણીમાં અમદાવાદ પહેલા ક્રમે, તો સુરત બીજા ક્રમે છે.

આ ઉપરાંત, અમદાવાદ શહેરને પશ્ચિમ ઝોન સ્માર્ટ સિટી અને સંસ્કૃતિ, શ્રેણીમાં પ્રથમ, જ્યારે સ્વચ્છતા શ્રેણીમાં બીજો ક્રમ પ્રાપ્ત થયો છે. કોવિડ વ્યવસ્થાપન અને નવતર પહેલ શ્રેણીમાં સુરત અનુક્રમે પહેલા અને બીજા ક્રમે રહ્યું છે. તો હોસ્પિટલ વ્યવસ્થાપન પ્રણાલી બદલ વડોદરાને સામાજિક પહેલ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર જાહેર થયો છે.