રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું સૌથી વધુ દૂષણ જોવા મળી રહ્યું છે. પીજીવીસીએલ કંપની દ્વારા અવાર-નવાર દરોડા પાડીને વીજચોરી પકડવામાં આવે છે. છતાંપણ કરોડો રૂપિયાનો લાઈનલોસ થઈ રહ્યો છે. આથી વ્યાપકપણે વીજ ચોરી પર અંકૂશ લાવવા મહત્ત્વની યોજના બનાવવામાં આવી છે. જે હેઠળ સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવાની પીજીવીસીએલ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે. અને ડિસેમ્બરથી અલગ અલગ બે તબક્કામાં આ કામગીરી સંપન્ન કરવામાં આવશે.
પીજીવીસીએલના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ જિલ્લાઓમાં આગામી દિવસોમાં સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર લગાવવામાં આવશે. આ કામગીરી ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા અલગ અલગ બે તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે. જેમાં 55 લાખ કરતાં વધુ ઘરોમાં, સરકારી કચેરીઓ અને કારખાનાઓમાં આ પ્રી પેઇડ વીજ મીટર લગાવવામાં આવશે. એટલે કે અગાઉ રૂપિયા આપીને વીજ મીટર ચાર્જ કરાવવું પડશે. સ્માર્ટ વીજ મીટરથી વીજચોરી અટકી જશે, એવું પીજીવીસીએલના અધિકારીઓનું માનવું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પેઇડ વીજ મીટર લગાવવા માટેની તૈયારીઓ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રી પેઇડ વીજ મીટર માટે અંદાજિત 3600 કરોડ રૂપિયાનો ખર્ચ પણ થાય તેવી શક્યતાઓ છે. જોકે એકવાર સ્માર્ટ પ્રીપેડ મીટર લાગ્યા બાદ વીજગ્રાહકોને ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તેવો પીજીવીસીએલનો દાવો છે. સ્માર્ટ પ્રીપેડ મીટરએ સામાન્ય મીટર જેવા જ છે. જ્યારે તેમાં કોમ્યુનિકેશન માટેનું એક ડિવાઇસ લગાડવામાં આવ્યું હોય છે. જેવી રીતે એક મોબાઇલ વિસ્તારમાં લાગેલા ટાવર સાથે કનેકટ થઈને આપણને તમામ ઇન્ફર્મેશન આપે છે. તેવી રીતે આ કામ કરશે. સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટરથી ગ્રાહકોને ફાયદો થશે. હાલમાં ગ્રાહકોની ઘણી બધી નાની મોટી સમસ્યાઓ જોવા મળી રહી છે. જેવી કે પ્રોપર બિલ બન્યું નથી, ઘરે કોઈ મીટર રીડિંગ લેવા માટે આવ્યું નથી, બિલ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભો રહેવું પડે છે ત્યારે આ તમામ નાની મોટી સમસ્યાઓનો અંત આવશે. સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટરની મુખ્ય વિશેષતા એ છે કે. ગ્રાહક પોતાનું બિલ પોતાના મોબાઈલમાં જોઈ શકશે એટલે કે એક એપ્લિકેશનના માધ્યમથી તેનું દરરોજનું કેટલું વપરાશ છે તે ચકાસી શકશે અને આગામી દિવસોમાં તેને કેટલો વપરાશ કરવો જોઈએ અને કેટલી બચત કરવી જોઈએ તે પણ થઈ શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સ્માર્ટ પ્રી પેઇડ વીજ મીટર પ્રથમ તબક્કામાં તમામ સરકારી ઓફિસોમાં લગાવવામાં આવશે. ત્યારબાદ અલગ અલગ રહેણાંક મકાનોમાં અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તેને લગાવવાની કામગીરી હાથ ધરાશે. જો કે ખેતીવાડી વિસ્તારોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર હાલ પૂરતા લગાડવામાં આવશે નહીં. અંદાજિત રૂ. 3600 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. જેમાં આવતા ડિસેમ્બરથી આ કામગીરી પૂરજોશથી પીજીવીસીએલની ટીમ દ્વારા શરૂ કરવામાં આવશે.