Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.ની સ્માર્ટ સ્કૂલોમાં કાયમી શિક્ષકોના સ્થાને પ્રવાસી શિક્ષકોથી ભણતા વિદ્યાર્થીઓ

Social Share

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા મ્યુનિ, શાળાઓનો વહિવટ કરવામાં આવે છે. મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટસ્કૂલો શરૂ કરવામાં આવી છે. આ કન્સેપ્ટ એકંદરે સારો છે. પરંતુ પ્રશ્ન એ છે. શાળાઓમાં પુરતા શિક્ષકો જ નથી. અને પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કહેવાય છે. કે, દિલ્હી મોડલની નકલ કરીને અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલ શરૂ કરી, પણ એમાં શિક્ષકોની કાયમી ભરતી ના કરી, એટલે  ઈંગ્લિશ મીડિયમમાં 310 શિક્ષકની જગ્યા છે એમાં 65 કાયમી શિક્ષક, અને 240 પ્રવાસી શિક્ષકોની ભરતી કરીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. જોકે પ્રવાસી શિક્ષક કામચલાઉ જ કહેવાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતી માધ્યમ ઉપરાંત ઈંગ્લિશ માધ્યમની અનેક સ્કૂલો શરૂ કરવામાં આવી છે. દિલ્હી મોડલની જેમ જ અમદાવાદમાં પણ દરેક વોર્ડ પ્રમાણે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પ્રોજેક્ટ હતો, એ સ્કૂલ બોર્ડ દ્વારા પૂરો કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડે સ્માર્ટ સ્કૂલ તો બનાવી, પરંતુ એમાં ભણાવનાર કાયમી શિક્ષકોની નિમણૂક ના કરી શકી, જેથી સ્કૂલ બોર્ડ દ્વારા શરૂઆતથી જ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સરકારી સ્કૂલોમાં કામચલાઉ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો એ કેટલી જવાબદાર રહે એને લઈને સવાલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  વર્ષ 2022માં સ્કૂલ બોર્ડનું 892 કરોડનું બજેટ હતું, જેમાંથી અનેક સ્માર્ટ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી, પરંતુ એમાં શિક્ષકોની નિમણૂક  કરવામાં ન આવી. એને કારણે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં નવી સ્માર્ટ સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકોની કામચલાઉ ધોરણે ભરતી કરવી પડી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 49 વોર્ડ છે, ત્યારે તમામ વોર્ડને ધ્યાનમાં રાખીને તમામ વૉર્ડમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અગાઉ સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી હતી. 1થી 5 ધોરણની અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી 36 સ્કૂલોમાં એકપણ કાયમી શિક્ષક જ નથી, એટલે કે 36 સ્કૂલમાં પ્રવાસી શિક્ષકથી અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે બાકીની સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષક દ્વારા જ કેટલાક વિષયોનો અભ્યાસ કરાવવામાં આવે છે. 1થી 5 ધોરણમાં 8088 બાળકો અભ્યાસ કરે છે અને તેમના વચ્ચે માત્ર 39 જ કાયમી શિક્ષકો છે. 1થી 5 ધોરણના 255ના મહેકમ સામે 216 અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ઘટ છે. કાયમી શિક્ષકો ના હોવાથી જ AMC સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકની ભરતી કરવામાં આવી રહી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. સ્કૂલ બોર્ડમાં 1થી 8 ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં 310 શિક્ષકનું મંજૂર થયેલું મહેકમ છે, જેમાંથી અત્યારે માત્ર 65 જ શિક્ષક કાયમી છે. બાકીના પ્રવાસી શિક્ષકો છે. જ્યારે ધોરણ 1થી 5માં 255 શિક્ષકનું મંજૂર મહેકમ છે, જેમાંથી માત્ર 39 જ કાયમી શિક્ષક છે, જ્યારે બાકીના 216 શિક્ષકોની ઘટ છે. એ ઘટ પૂરવા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સૌથી વધુ નુકસાન 1થી 5 ધોરણનાં બાળકોને કાયમી શિક્ષક ના હોવાને કારણે અત્યારે થઈ રહ્યું છે. આ ઉપરાંત સ્કૂલ બોર્ડની હિન્દી માધ્યમની સ્કૂલોની પણ આવી જ સ્થિતિ છે. હિન્દી માધ્યમના કાયમી શિક્ષકોમાં ધોરણ 1થી 5માં 54 સ્કૂલ છે. એમાં 16964 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. હિન્દી માધ્યમની સ્કૂલો માટે 459 શિક્ષકનું મહેકમ છે, એની સામે માત્ર 247 કાયમી શિક્ષક છે. હિન્દી માધ્યમમાં 212 શિક્ષકોની ઘટ છે. હિન્દી માધ્યમની 4 સ્કૂલમાં તો એકપણ કાયમી શિક્ષક જ નથી, એટલે કે હિન્દી માધ્યમમાં 212 પ્રવાસી શિક્ષક છે અને હિન્દી માધ્યમ પણ પ્રવાસી શિક્ષકોના ભરોસે ચાલી રહ્યું છે.

આ અંગે AMC સ્કૂલ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે 55 ઈંગ્લિશ માધ્યમની સ્કૂલોમાંથી 28 સ્કૂલ છેલ્લાં 2 વર્ષમાં જ શરૂ કરવામાં આવી છે. જે-તે વિસ્તારમાં વાલીની માગણીઓ ધ્યાનમાં લઈને સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. તમામ સ્કૂલોમાં કાયમી ઉપરાંત તાલીમબદ્ધ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. નવી સ્કૂલો સાથે શિક્ષકોનું મહેકમ પણ નક્કી કરવામાં આવે છે, જેથી કાયમી શિક્ષક ના આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. જે સ્કૂલમાં કાયમી શિક્ષક ના આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવે.