હૈદરાબાદ: તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં એક યુવકે લગ્ન પહેલા પોતાનું સ્મિત વધારવા માટે સ્માઈલિંગ ડિઝાઈન સર્જરી કરાવી હતી. પરંતુ ચહેરા પર સ્મિત વધારવાના ચક્કરમાં યુવકનું મોત નીપજ્યું અને પરિવારજનોના ચહેરા પરથી સ્મિત છીનવાય ગયું.
પોલીસે કહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ જુબલી હિલ્સમાં એફએમએસ ઈન્ટરનેશનલ ડેન્ટલ ક્લિનિકમાં સ્માઈલ ડિઝાઈનિંગ પ્રક્રિયા દરમિયાન 28 વર્ષીય લક્ષ્મી નારાયણ વિંજામનું મૃત્યુ નીપજ્યું. લક્ષ્મી નારાયણ વિંજામના પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમનું મોત એનેસ્થિસિયાના ઓવરડોઝને કારણે થયું છે.
મૃતકના પિતા રામુલુ વિંજામે કહ્યુ છે કે સર્જરી દરમિયાન તેમના પુત્રના બેભાન થયા બાદ સ્ટાફે તેમને ફોન કર્યો અને ક્લિનિકમાં આવવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે અમે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મૃતકના પિતાએ કહ્યુ છે કે તેમના પુત્રએ તેમને સર્જરીની જાણકારી આપી ન હતી. તેમના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાયા બાદ બેદરકારીના આરોપમાં ક્લિનિક સામે મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીએ કહ્યુ છે કે અમે હોસ્પિટલના રેકોર્ડ અને સુરક્ષા કેમેરાના ફૂટેજની તપાસ કરી રહ્યા છીએ.