દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યાં, 25 કરોડની મતાની ચોરી
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દિલ્હીના જંગપુરામાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડથી કિંમતના સોના-ચાંદી અને હિરાના દાગીનાની ચોરીની સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તસ્કરો શો-રૂમની છત કાપીને અંદર ઘુસ્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના જંગપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શો-રૂમમાં આજે સવારે કર્મચારીઓ ગયા હતા અને શો-રૂમ ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે અંદરનો માહોલ જોઈને ચોંકી ઉઠ્યાં હતા. અંદર તમામ વસ્તુઓ વેર-વિખેર પડી હતી, તેમજ દાગીનાઓ ગાયબ હતા. જેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
જ્વેલર્સ શો-રૂમમાં ચોરીની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં શો-રૂમમાંથી લગભગ 25 કરોડની ચોરી થયાનું જાણવા મળે છે. જો કે, શો-રૂમના માલિક દ્વારા ચોરી થયેલી વસ્તુઓની કિંમતની ગણતરી બાદ જ ચોરીની ચોક્કસ રકમ જાણી શકાશે. શો-રૂમ બે દિવસથી બંધ હતો જ્યારે શો-રૂમમાં રાત્રિના દરમિયાન ચોરી થયાનું જાણવા મળે છે. જો કે, તસ્કરોએ શો-રૂમની છત કાપી નાખી તો પણ આસપાસના લોકોને ખબર કેમ ના પડી તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ આરંભી છે. ચોરીની આ ઘટનામાં જાણભેદુની જ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.