ભાજપ દ્વારા તમામ નાના-મોટા શહેરોમાં 19મી નવેમ્બરથી નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમો યોજાશે
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યભરના નાના-મોટા તમામ શહેરોમાં તા.19મી નવેમ્બરથી સ્નેહ મિલન કાર્યક્રમો યાજવાની પ્રદેશ અધ્યક્ષ દ્વારા સુચના આપવામાં આવી છે. લોકો સાથેનો સંપર્ક વધારવા માટે દર વખતની જેમ આ વખતે પણ સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સ્નેહ મિલન કાર્યક્રમોમાં પક્ષના સાંસદો. ધારાસભ્યો તેમજ સ્થાનિક નગરપાલિકા કે પંચાયતોના પદાધિકારીઓ, સભ્યોને ઉપસ્થિત રહેવા પણ જણાવી દેવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી ગણતરીના મહિનાઓમાં યોજાવવાની છે. ત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમોમાં તમામ સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવાનું સુચન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષના તમામ કાર્યકર્તાઓ તથા નેતાઓને રાજ્યના તમામ 182 વિધાનસભા ક્ષેત્રોમાં દિવાળી અને નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમો યોજવા સૂચન કર્યું છે. આગામી 19થી 26 નવેમ્બર એમ એક સપ્તાહ સુધી અલગ-અલગ વિસ્તારોમાં ભાજપના નેતાઓ પોતાના કાર્યકર્તાઓ સાથે આ રીતે મિલન-મુલાકાત કરશે. પાટીલે રાજ્યના તમામ ધારાસભ્યો, સાંસદો તથા સંગઠનના પ્રદેશ તેમજ જિલ્લા અને મહાનગર સ્તરના નેતાઓને આવાં કાર્યક્રમમાં હાજર રહી કાર્યકર્તાઓનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આગામી વર્ષે સંભવતઃ એપ્રિલ મહિનામાં ગુજરાતની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે. આ ચૂંટણીના છ માસ પૂર્વે જ તમામ નેતાઓ પોતાના વિસ્તારના કાર્યકર્તાઓનો સંપર્ક કરી તેમને દિવાળી અને નૂતન વર્ષના પર્વની ઉજવણી બાદ પક્ષના પ્રચાર સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરશે. આ કાર્યક્રમો દિવાળી બાદ ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી સતત ચાલતાં રહેશે. દિવાળી બાદ તરત જ ભાજપનું સંગઠનના પ્રદેશથી છેક બૂથ સ્તર સુધીના નેતાઓ ચૂંટણીલક્ષી તૈયારીમાં જોડાઇ જશે.