પાલનપુરઃ ગુજરાતની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં બર્ફલી ચાદર છવાઈ જતાં તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે બર્ફિલા નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. દિવસ દરમિયાન પ્રવાસીઓ બરફિલા નજારાની મોજ માણીને સાંજ પહેલા જ હોટલમાં પુરાઈ જતા હોય છે. દિવસ દરમિયાન ધમધમતું હીલ સ્ટેશન સાંજ પડતા જ સુમસામ બની જાય છે.
રાજસ્થાનમાં કડકડતી ઠંડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા માઉન્ટ આબુમાં શુક્રવારે તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું હતુ, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. માઉન્ટના સૌથી ઊંચા પહાડ ગુરુશિખર પર પણ બરફ જામી ગયો છે. ઉત્તરીય ઠંડા પવનોને કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડાક દિવસોથી તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. શુક્રવારે લઘુતમ તાપમાન માઇનસ બે ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતાં મેદાની વિસ્તારો, ઘરો-હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટૂ-વ્હીલર પર અને રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો. હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર-મનાલી જેવો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારથી પ્રવાસીઓ ચાની ગરમ ચુસકી સાથે ઠંડીથી રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર-પૂર્વના પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો ઘટતાં આગામી બે દિવસ બાદ ઠંડીમાં ક્રમશ ઘટાડો થવાની શક્યતા છે.. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધીને 25.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 14.3 ડિગ્રી નોંધાયું હતું. અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન, એની સાથે ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે. આમ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી 8થી 10 જાન્યુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે.