- હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા
- 400થી વધુ માર્ગ કરાયા બંધ
શિમલાઃ દેશમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે આ સ્થિતિ હિમાચલ પ્રદેશમાં જનજીવન પર અસર કરી રહીવ છે.આજ રોજ સોમવારે હિમાચલના ઉચ્ચ અને મધ્યમ પહાડીઓના મોટાભાગના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. શિમલામાં વહેલી સવારમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું કારણ કે હિમવર્ષાને કારણે અનેક મુશ્કેલીઓ આવી રહી છે,વીજળી ખોરવાય છે તો રસ્તાઓ પણ બંધ થયા છે.
ખાદરાલા અને કુફરીમાં 58 સેમી, શિલારુ 42 સેમી, ડેલહાઉસીમાં 30 સેમી, સાંગલા 28 સેમી, કલ્પા 27 સેમી, કોઠી 20 સેમી, ચોપાલ, શિમલા, હંસા અને ભરમૌરમાં 15 સેમી અને મનાલીમાં 14 સેમી હિમવર્ષા થઈ હતી. સ્થાનિક હવામાન કચેરીએ 10 અને 11 જાન્યુઆરીએ મધ્ય અને ઉચ્ચ ટેકરીઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને બરફ અને 12 જાન્યુઆરીથી શુષ્ક હવામાનની આગાહી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિમલામાં 209, લાહૌલ અને સ્પીતિમાં 181, ચંબામાં 46, મંડીમાં 42, કિન્નૌરમાં 38, કુલ્લુમાં 31 અને સિરમૌરમાં 10 સહિત 557 રસ્તાઓ અવરોધિત બન્યા છે. આ સાથે જ 1 હજાર 757 ટ્રાન્સફોર્મર અને 124 પાણી પુરવઠા યોજનાઓની કામગીરી પણ ખોરવાઈ ગઈ છે.સામાન્ય જનજીવન પર તેની માઠી અસર પડી રહી છે.
શિમલા-રોહરુ અને શિમલા-રામપુર રોડ અને કુફરી-ફાગુ સિવાય સિમલા શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ટ્રાફિક માટે સાફ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ બરફ સાફ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને તમામ રસ્તાઓ ખોલવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ તૂટક તૂટક હિમવર્ષાને કારણે સપસી જવાની સ્થિતિ યથાવત છે અને મુસાફરોને જરૂરી હોય ત્યાં સુધી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે
બીજી તરફ આવી કપરી સ્થિતિ વચ્ચે પણ ધ રિજ અને મોલ રોડ પર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી વિકેન્ડ હોવાના કારણે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો.આ સાથે જ હોટલોમાં લગભગ 80 ટકા બેડ બૂકિંગ જોવા મળ્યા છે. જો કે, વિક્ટરી ટનલથી આગળના હોટેલીયર્સે જણાવ્યું હતું કે બાયપાસ રોડ પરના તુતીકાંડીથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવતાં હોટલ બિઝનેસને માઠી અસર થઈ રહી છે.