નવીદિલ્હીઃ સમગ્ર ઉત્તર ભારતમાં હવે શિયાળાના આગમનની ઘડીઓ ગણાતી હોય તેમ ઠંડીનું આગમન થઈ ગયું છે. હિમાચલ પ્રદેશમાં હીમવર્ષા, જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી, પંજાબ અને હરિયાણામાં વરસાદ અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું આગમન થઈ ગયું છે. હવે એકાદ સપ્તાહમાં રાજસ્થાન અને ત્યારબાદ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. અને ઠંડીનો અનુભવ થશે.
ઉત્તરીય એવા હીમાચલ સહિતના પહાડી વિસ્તારમાં હીમવર્ષાને કારણે શિયાળાની સમય પહેલા જ શરૂઆત થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમાચલમાં હિમવર્ષાને કારણે છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં પણ હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ભારે પવન અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે બે દિવસ પછી પર્વતો પરથી ઠંડા પવનો આ રાજ્યો તરફ ફુંકાશે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો અનુભવ થશે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષાનું યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શિમલાના હાટુ, ચુરધાર, શિરગુલ, મંડીના શિકારી માતા મંદિર સહીત કિન્નૌર, ચંબા, લાહૌલ સ્પીતિ અને કાંગડાના ધોલાધરની ઉંચી પહાડીઓ પર પણ હિમવર્ષા થઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી મનાલી, ધર્મશાલા, શિમલા, મેકલોડગંજ, ચંબા, કસૌલી આવતા પ્રવાસીઓને જ્યાં સુધી હિમવર્ષા ન થાય ત્યાં સુધી ઊંચા વિસ્તારોમાં ન જવાની લોકોને સલાહ આપવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફના જાડા થર જમા થઈ ગયા છે. જેના કારણે સોમવારે બાંદીપોરા-ગુરેઝ રોડ પર વાહનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. હિમવર્ષા વચ્ચે, શ્રીનગરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કુપવાડામાં તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ હતું. હવામાન વિભાગનું કહેવું છે કે મંગળવાર સુધી જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
રાજસ્થાનમાં ચોમાસાની વિદાય બાદ રવિવારથી પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. રવિવારે મોડી સાંજથી બીકાનેર અને જોધપુર વિભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડ્યા હતા. આ સિસ્ટમની અસર આજે જયપુર, અજમેર, કોટા અને ભરતપુર ડિવિઝનમાં પણ જોવા મળી હતી. આ પંથકોના જિલ્લાઓમાં સવારથી જ આકાશ વાદળછાયું છે અને અનેક જગ્યાએ હળવો વરસાદ થવાની સાથે કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે.
પંજાબમાં સોમવારે સવારથી વાદળછાયું વાતાવરણ છે. અનેક જિલ્લાઓમાં કલાકો સુધી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર પંજાબમાં વરસાદની શક્યતા છે. આજે દિવસભર હળવા ઝરમર વરસાદ ચાલુ રહેશે. પંજાબના સરેરાશ તાપમાનમાં રવિવારે 1.9 ડિગ્રીનો ઘટાડો થયો છે. સાથે જ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 30 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું.