નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર ઘાટીના ઉપરના ભાગોમાં હિમવર્ષા થઈ છે. સાંજથી મેદાની વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.અમરનાથ ગુફાના પહલગામ માર્ગ પર શેષનાગ, પંજતરની અને મહાગુણા ટોપમાં તાજી હિમવર્ષાથી સમગ્ર કાશ્મીર વિભાગમાં તાપમાનમાં ઘટાડો થયો છે. દરમિયાન, હિમવર્ષાને કારણે શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, બાંદીપોરા-ગુરેઝ અને મુગલ રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે, શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે વાહનો માટે ખુલ્લો છે. લોકો અહીંથી ફરી શકે છે. પરંતુ હાલમાં લોકોને જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર જતા પહેલા ટ્રાફિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે દિવસભર કાશ્મીર ઘાટીના મેદાની અને પહાડી વિસ્તારોમાં હવામાનની પેટર્ન આવી જ રહેશે. તેમણે કહ્યું કે મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થશે જ્યારે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે. પહાડી વિસ્તારોમાં 5 ઇંચથી વધુ હિમવર્ષા થવાની સંભાવના છે. જો કે શનિવારે હવામાનમાં થોડો સુધારો થવાની સંભાવના છે જે 16 નવેમ્બર સુધી રહેશે.
રાઝદાન ટોપ પર તાજી હિમવર્ષાને પગલે 85 કિલોમીટર લાંબો બાંદીપોરા-ગુરેઝ રોડ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે રાઝદાન ટોપ પર લગભગ દોઢ ઈંચ હિમવર્ષા થઈ છે જેના કારણે રસ્તા પરનો વાહનવ્યવહાર અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તુલૈલ સહિત ગુરેઝ ખીણના કેટલાક ઊંચા ભાગોમાં પણ હિમવર્ષા થઈ છે. ઉત્તરભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે દેશના અનેક રાજ્યોમાં પણ ઠંડીનો ચમકારો વધવાની આગાહી છે.