રાજ્યના પાંચ જિલ્લામાં કન્જેક્ટિવાઇટિસના અત્યારસુધીમાં 1174 કેસ નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કન્જેક્ટિવાઇટિસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના નાગરિકોને પ્રવર્તમાન સમયમાં કેટલાક જિલ્લામાં જોવા મળી રહેલા કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. રાજ્યના પાંચ જિલ્લામાં કન્જેક્ટિવાઇટિસના અત્યારસુધીમાં 1174 કેસ નોંધાયા છે.
રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ સિવિલ હોસ્પિટલમાં કન્જેક્ટિવાઇટિસ રોગની સંપૂર્ણ સારવાર અને દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ મંત્રી ઋષિકેશ પટેલ એ ઉમેર્યુ હતુ. હાલ રાજ્યમાં 100 થી વધુ કન્જક્ટિવાઇટીસના કેસ નોંધાયા હોય તેવા મુખ્ય પાંચ જિલ્લા અમરેલી, ખેડા (નડિયાદ), નવસારી, આણંદ અને સુરત છે. આ પાંચ જિલ્લામાં કુલ 1174 જેટલા કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં 312, ખેડા જિલ્લામાં 280, નવસારી જિલ્લામાં 261, આણંદ જિલ્લામાં 196 અને સુરત જિલ્લામાં 1125 જેટલા કેસ જોવા મળ્યા છે.
કન્જક્ટિવાઇટિસ રોગના અટકાયત અને સધન સારવાર અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા સ્તર સુધી તમામ આરોગ્ય કર્મીઓની જરૂરિયાત મુજબની દવાઓ અને સારવાર ઉપલબ્ધ કરાવવા અને જન જાગૃતિની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા માટે સુચના પણ આપવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.
વરસાદી ઋતુમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગ અટકાયત માટે પણ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરી હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ. રાજ્યમાં 85 લાખ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 953 મેલેરિયા કેસ નોંધાયા છે જ્યારે 39 હજાર સીરમ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 650 ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ. રાજયમાં વાહક જન્ય રોગ અટકાયત માટે 444 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરત કરાઇ છે.