દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
દેશના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ફ્રન્ટલાઇન કર્મચારીઓ સાથે જોડાયેલા આંકડા 26 જાન્યુઆરીએ ડીજીટલ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે. દેશમાં લગભગ 3 કરોડ આવા કર્મચારી હોવાનું અનુમાન છે. ત્રીજા તબકકામાં 50 વર્ષથી ઉપરના અને ચોથા તબકકામાં તેનાથી નીચેના બિમાર લોકોને ડોઝ આપવામાં આવશે. હાલ રસી લેનારા લોકોની ઓળખ અને તેના પર સુપરવિઝન મહત્વનું છે જે માટે ‘કોવિન’ એપ તૈયાર કરવામાં આવી છે. લાભાર્થીઓની ઓળખ માટે આધાર કાર્ડની મદદ લેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક લાખથી વધુ કર્મચારીઓને રસીકરણ માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. પુરો દેશ સામાન્ય જનજીવન પાટા પર ચડે તેની રાહ જુએ છે. રસી પર સવાલ ઉઠાવીને કેટલાક લોકો સામાન્ય જનતાને ગુમરાહ કરે છે અને બલીદાનનું પણ અપમાન કરી રહ્યા છે.