નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં નાણા અને દારૂની હેરાફેરીને અટકાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બંને રાજ્યમાંથી ચૂંટણીપંચ દ્વારા રૂ. 338 કરોડની વધુની મતા જપ્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે મહારાષ્ટ્ર, ઝારખંડ ઉપરાંત જ્યાં પેટા ચૂંટણીઓ યોજાવાની છે તેવા રાજ્યોમાંથી 558 કરોડ રૂપિયાની રોકડ, મતદારોને મફતમાં વહેંચવાની ચીજો, શરાબ, માદક પદાર્થો અને કિંમતી ધાતુઓ જપ્ત કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી આશરે 280 કરોડ રૂપિયા અને ઝારખંડમાંથી 158 કરોડ રૂપિયાનાં મૂલ્યની ચીજો જપ્ત કરવામાં આવી છે. આ બંને રાજ્યોમાંથી થયેલી કુલ જપ્તી 2019ની વિધાનસભા ચૂંટણી કરતા ત્રણ ગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તમામ અધિકારીઓને ચૂંટણી દરમિયાન ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવવા નિર્દેશ આપ્યો છે.