કોવિડ-19 સંકટઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓએ કોરોના સામે મેળવી જીત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સરેરાશ દસ હજાર જેટલા કેસ સામે આવતા હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં 70 જેટલા જ પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેની સામે 128 દર્દીઓ સાજા થયાં હતા. આમ રાજ્યમાં રિવકરી રેટ વધીને 98.48 ટકા ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.11 લાખ દર્દીઓ સાજા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં બેડની અછત ઉભી થઈ હતી. એટલું જ નહીં દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેમના પરિવારજનોની દોડધામ વધી ગઈ હતી. જો કે, કોરોના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં હાલ 2467 જેટલા એક્ટિવ કેસ છે. જે પૈકી 10 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.
રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ કેસ 2467માંથી 1849 કેસ એટલે કે 74.94 ટકા કેસ માત્ર સાત મહાનગરપાલિકાઓમાં જ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ પણ એક કારણ છે. ગુજરાતનો એક માત્ર ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે.