ધોળું એટલું દૂધ, અમે કહીએ એ જ શુધ્ધ
- ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગનો હૈડિયો દબાવી દેવાનો ખેલ આરંભાયો
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને PETA,CWC,FIAPO જેવી સંસ્થાઓ મેદાનમાં
- Vigan Milk (પૂર્ણ શાકાહારી)ના નામે કરુણાને બદલે કાતિલ ગોઠવણ
- ‘અમૂલ બ્રાન્ડ‘ને પાડી દઈ,ભારતીય ડેરી ઉદ્યોગને ખતમ કરવા તૈયારી
વ્યવહારુપણું અને વાસ્તવિકતાનો તસુભાર વિચાર વિનાના આદર્શો વેવલાઈ અને વ્યાપક બને તો હાનીકારક બને.એમાંય આ આદર્શાની ઢાલ આગળ કરી બદઈરાદા ચઢી આવે ત્યારે તો જો એ ઓળખી ન લેવાય તો મહા અનર્થ થાય અને આપત્તિજનક બને.
હમણાંથી ચાલેલી VEGAN ચળવળ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.પૂર્ણ શાકાહાર (Vegan)એ વ્યક્તિ કે સમૂહ પસંદ કરે તો એમાં કશો વાંધો ન હોય.પરંતુ એ વ્યવસાયિક લક્ષ સાધનાનું માધ્યમ બને એટલે એનો ગેરફાયદો ઉઠાવવા ગોઠવણો શરુ થાય જ.
તાજેતરમાં ભારતીય દૂધ ઉદ્યોગ સામે આવું દળકટક ચઢી આવ્યું છે.દૂધ એટલે સામાન્ય સમજ એવી છે કે દૂધાળાં જાનવરોના આઉં(આંચળ)માંથી જે મેળવાય છે એ.વિશ્વમાં ગાય,ભેંસ,બકરી,ઘેટી,ઘોડી,
ગધેડી,ઊંટડી,રેન્ડીયર અને યાકનાં દૂધ વપરાય છે.આ દૂધના આધારે ડેરી ઉત્પાદનો( Dairy Products) બને છે.
Vegan milk એટલે કે શાકાહારી દૂધ.પ્રાકૃતિક છોડ,બીયાંમાંથી બને એ .આ દૂધ.બદામ,કાજુ,સોયા,ડાંગર,
નાળિયેર,જવ,અળસી,પહાડી બદામ(Hejal Nuts), મગફળીઅને હેમ્પ સીડ એટલે કે મારીજુઆનાનો ઉપયોગી હિસ્સો – આ બધાંમાંથી જે દૂધ બનાવાય છે એ vegan milk કે શાકાહારી દૂધ ગણાય છે.
પશુ આધારિત દૂધ સીધું પશુને દોહીને મેળવાય છે.એ પ્રાકૃતિક છે.શાકાહારી દૂધ (Vegan milk) એ યાંત્રિક પ્રક્રિયા કરી મેળવાય છે.મતલબ એ ફેક્ટરી કે પ્લાન્ટ પ્રોડક્શન છે.
દુનિયામાં દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.ભારત અત્યારે 20 કરોડ ટનથી પણ વધુ દૂધનું ઉત્પાદન કરે છે.વિશ્વ સમગ્રના દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 22-23 ટકા છે.મતલબ કે ભારત જગતના ચોથા ભાગ જેટલું દૂધ ઉત્પાદન કરે છે.ભારતના દૂધ ઉત્પાદનનો વૃધ્ધિ રેશીયો પણ 20 ટકાથી વધુ છે.ભારતના દૂધ ઉત્પાદનમાં ભેંસ,ગાય અને બકરીનું દૂધ મુખ્ય છે.
ભારતમાં પશુપાલન એ કૃષિનો એક ભાગ ગણાય છે.ભારતના સંગઠીત અને અસંગઠીત ક્ષેત્રનું દૂધ ઉત્પાદન મૂલ્ય 8 લાખ કરોડ રુપિયાનું છે.ભારતની સૌથી મોટી કૃષિ ઉપજ ઘઉં,કઠોળ કે ડાંગર નથી,દૂધ છે.ભારતની રાષ્ટ્રીય GDP માં દૂધનું પ્રદાન 4.2 ટકા છે.10 કરોડથી વધુ પરિવારો એક,બે કે ત્રણ પશુ રાખી જીવન નિર્વાહ અથવા પૂરક આવક મેળવે છે.દૂધ આધારિત ડેરી ઉદ્યોગ ભારતનો મોટો સહકારી ઉદ્યોગ છે.’અમૂલ’ બ્રાન્ડ વિશ્વમાં મોટું નામ ધરાવે છે.
આ બધી તો ઍકેડેમિક બાબતો થઈ.હવે ઉમેરાય છે બજાર.ડેરી પ્રોડક્ટ્સનું (દૂધ, દહીં, ચીઝ, માખણ, પનીર, ક્રિમ, છાશ, આઈસ્ક્રીમ,ચૉકલેટ્સ,વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ વ.) વૈશ્વીક બજાર ખૂબ મોટું છે ને વિસ્તરતું જાય છે.ભારત દૂધનું મોટું ઉત્પાદક છે એમ ભારત ડેરી પ્રોડક્ટ્સનું વિરાટ બજાર પણ છે.આંતરરાષ્ટ્રીય રાક્ષસી કદની ડેરી કંપનીઓની દાઢ આ જોઈને સળકી છે.
પશુપાલન દ્વારા એ લોકો ભારત જેટલું દૂધ ઉત્પાદન કરી શકે એમ નથી.એ માટે બહુ મોટી જફા કરવી પડે.પરંતુ જો કારખાનાંમાં જ દૂધ બનાવી શકાય તો જંગી ઉત્પાદન કરુ શકાય.ન પશુ પાળવાં કે એને ઉછેરવાં.આ જાયન્ટ કંપનીઓ ફેક્ટરીઓમાં દૂધ બનાવવા માંડી છે.એને Vegan milk શાકાહારી દૂધના ઓઠા હેઠળ એ આગળ કરી રહી છે.જો ભારતમાં પશુદૂધને બિન શાકાહારી અને પશુઓ પરના જુલમ તરીકે ખપાવી શકાય તો કારખાંનાંમાં બનેલા દૂધનો વેપાર ધમધમાવી શકાય.આ મેલી મુરાદથી આખો કાંડ રચાયો છે.
છાપાં,મૅગેઝીનો,વિજાણું માધ્યમો અને સોશ્યલ મીડિયા પર થોડા સમયથી ભારતની ડેરીઓ,વિશેષે ‘અમૂલ’ બ્રાન્ડ સામે ‘દૂધ એ સંપૂર્ણ ખોરાક નથી.દૂધ શાકાહારી નથી.,દૂધ મેળવવા પશુઓ પર અત્યાચાર થાય છે.’એવા સમાચારો,લેખ અને જાહેર ખબરોની ભરમાર ચાલી છે.
આ બધામાં રાબેતા મુજબ હાડોહાડ ભારત વિરોધી વલણ ધરાવતી PETA(People for Ethical Treatment of Animals) ઉતરી.એની સાથે FIAPO (Federation of Indian Animal Protection Organisation),BWC (Beauty Without Crualty) જેવી સંસ્થાઓ જોડાઈ.આખો ખેલ શરું થયો.
ભારતમાં વેપાર વિસ્તારવા વિશ્વની મોટી ચૉકલેટ કંપની Hershey India,Raw Pressery,Urban Platter,Nature vit,Eat Soya જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ ટાંપીને બેઠી છે.પ્રાણીજ દૂધનો એકડો નીકળી જાય તો પછી ફેક્ટરીઓમાં જ દૂધ પ્રોડક્ટસ તૈયાર કરી અબજો કમાઈ શકાય.
આ આખા ખેલમાં નડતર રુપ છે ભારતની કેન્દ્રીય સંસ્થા FSSAI (The Food Safety and Standards Authority).આ સંસ્થા ભારતના ખાદ્ય પદાર્થોની વ્યાખ્યા અને ગુણવત્તા નક્કી કરે છે.આ સંસ્થાએ પ્લાન્ટ કે ફેક્ટરીમાં ઉત્પાદિત પદાર્થને (પ્રવાહી હોય કે દેખાવે દૂધ જેવું હોય તોય) ‘દૂધ’ ગણવાની ચોખ્ખી ના પાડી દીધી છે.પ્લાન્ટ આધારિત પીણાં દૂધ ન ગણાય એવી સ્પષ્ટતા આ સંસ્થાએ કરેલી છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ પ્લાન્ટ પ્રોડક્ટને દૂધ તરીકે તો જ ચલાવી શકે જો મુખ્ય ખેલાડી ‘અમૂલ બ્રાન્ડ’ને મેદાનમાંથી હટાવે.ભારતમાં NDDB (National Dairy Development Board) હેઠળ મહત્તમ દૂધ ક્ષેત્ર સહકારી માળખામાં છે.એટલે એને પરાસ્ત કરવું અઘરું છે.’અમૂલ બ્રાન્ડ’ને પાડે તો જ ગઢ સર થાય.
આ કંપનીઓએ આખી ચોપાટ બિછાવી.પહેલો ઘા ‘અમૂલ બ્રાન્ડ’ પર કર્યો.આગળ PETA અને BWC ને રાખી શરન ઈન્ડિયા નામની કંપનીએ ASCI(Advertizing Standerds Council of India) માં ‘અમૂલ બ્રાન્ડ’ સામે ફરિયાદ દાખલ કરી.એમણે બડી ચતુરાઈથી ત્રણ મુદ્દા ઉઠાવ્યા.(1) દૂધ એ સંપૂર્ણ આહાર નથી.દૂધ આરોગ્યને હાનિકારક છે.પ્લાન્ટ પ્રોડક્ટ દૂધ કરતાં એ ઓછું પોષણ મૂલ્ય ધરાવે છે. (2) ડેરી ઉદ્યોગ પશુ વિરુધ્ધ છે.પશુઓ પર ત્રાસ ગુજારાય છે.(3) પ્લાન્ટ આધારિત પીણાં ડેરી દૂધની તુલનાએ વધુ પર્યાવરણહિતેષી છે.
લાંબી લડત અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે ASCI એ ‘અમૂલ બ્રાન્ડ’ સામેની ફરિયાદ કાઢી નાખી.દૂધને સંપૂર્ણ આહાર જ ગણ્યું.
અમૂલે આવી ફરિયાદો કરનાર કંપનીઓ અને સંસ્થાઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
આ બધી કંપનીઓ મહાકાય રાક્ષસી કદની આર્થિક અને આંતરરાષ્ટ્રિય રાજકીય શક્તિઓ ધરાવનારી છે.કેટલીક NGO ને આગળ કરી ભારતમાં કાવતરાં પાડ પાડે છે.કરુણાના નામે એ કાતિલ ખેલ ખેલે છે.
આ બધાંનો દુરાશય ભારતના દૂધ વ્યવસાયને તોડી નાખવાનો છે.પશુપાલક ખેડૂતો તારાજ થાય તો દેશમાં અસંતોષ ઉભો કરી શકાય અને પોતાની પ્રોડક્ટ્સ બઝાડી અબજો રૂપિયા રળી શકાય.
જરાશી ગફલત ભારતના ડેરી ઉદ્યોગને અને પશુપાલનને ખતમ કરી શકે છે.
-Jashvant Raval(Anand)