Site icon Revoi.in

બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માલિક ઈલોન મસ્કે નારાજગી વ્યક્ત કરી છે. ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા મસ્કે જણાવ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આ સૌથી મોટો હુમલો છે. ઈલોન મસ્કે બ્રાઝિલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પરના પ્રતિબંધ પર તીખી પ્રતિક્રિયા આપી છે. બ્રાઝિલમાં ‘X’ પર પ્રતિબંધ (સસ્પેન્ડ) કરવાના નિર્ણય પર ટિપ્પણી કરતા, મસ્કે તેને 21મી સદીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અભૂતપૂર્વ હુમલાઓ પૈકીનું એક ગણાવ્યું.

નોંધનીય છે કે, બ્રાઝિલની સુપ્રીમ ફેડરલ કોર્ટના જજ ડી મોરેસે શુક્રવારે દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ સસ્પેન્ડ (પ્રતિબંધ) કરવાનો આદેશ આપ્યો હતો. જજ મોરેસે અગાઉ મસ્કને 24 કલાકની અંદર કોર્ટને જાણ કરવાનો આદેશ આપ્યો હતો કે બ્રાઝિલમાં ‘X’ના નવા કાનૂની પ્રતિનિધિ કોણ હશે. તેણે ચેતવણી આપી હતી કે જો ‘X’ આ માહિતી નહીં આપે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે. ગુરુવારે સાંજે મસ્કને જવાબ આપવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. અમેરિકાના અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઈલોન મસ્કએ ગયા અઠવાડિયે બ્રાઝિલમાં ‘X’ની ઓફિસ બંધ કરી દીધી હતી. જસ્ટિસ મોરેસે અગાઉ ધરપકડની ધમકી આપી હતી.