અમદાવાદઃ સમાજ શ્રેષ્ઠીઓના યોગદાનથી જ સમાજ કલ્યાણકારી અને પ્રગતિશીલ બને છે. વડોદરા ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કોવિડ કેર ડ્રાઇવ અંતર્ગત વિવિધ સેવા પ્રકલ્પોને રાજ્યપાલશ્રીએ લોકાર્પિત કર્યા હતા. તેમ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.
રાજ્યપાલએ આ પ્રસંગે સાવલી, વડોદરા સ્થિત મંજુસાર, જી.આઇ.ડી.સી.માં ઓક્સીજન પ્લાટનું લોકાપર્ણ કર્યુ હતું. આ ઉપરાંત ૨૫ ઓકસીજન કન્સન્ટ્રેટર્સ, ૧૫ બાયપેપ મશીન, ૬ વેન્ટીલેટર્સનું પણ તેમણે લોકાર્પણ કર્યુ હતું.
રાજ્યપાલએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, વિશ્વ કલ્યાણની વિચારધારા આપણી સંસ્કૃતિનો આધાર છે અને વૈષ્ણવ સંપ્રદાયે કોરોનાના કપરા કાળમાં જનસેવાને જ સાચી સેવા માનીને આપણી વિશ્વ કલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરી છે. રાજ્યપાલએ ધનની ત્રણ ગતિ દાન-ભોગ અને નાશ પૈકી દાનને શ્રેષ્ઠ ગતિ ગણાવી હતી અને દાનશ્રેષ્ઠીઓને સમાજના ઘરેણાંરૂપ ગણાવ્યા હતા. રાજ્યપાલશ્રીએ કોરોનાના કષ્ટ દાયક સમયમાં વૈષ્ણવ સંપ્રદાયના યોગદાનને ખરા અર્થમાં પ્રેરણાદાયી ગણાવ્યું હતું.
આ પ્રસંગે વૈષ્ણવાચાર્યશ્રી વ્રજરાજકુમારજીએ કોરોના કેર ડ્રાઇવ, સેવા સંકલ્પ અંતર્ગત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં અંદાજે ૬ કરોડ રૂપિયાના ખર્ચે ૨૯ ઓકસીજન પ્લાંટ ઉભા કરવાથી લઇને હોસ્પીટલોને વેન્ટીલેટર્સ, બાયપેપ મશીન, ઓક્સીજન કન્સટ્રેટર્સ આપવા તેમજ કોરોના વોરીયર્સને કીટ વિતરણ અને મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી રાહત ફંડમાં યોગદાન આપવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ વૈષ્ણવજનોના સહયોગથી હાથ ધરાઇ હોવાનું જણાવ્યું હતું.
શ્રી વ્રજરાજકુમારજી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે દાનથી દ્રવ્ય શુદ્ધિ થાય છે. રાજભવન દ્વારા ચાલી રહેલા કોરોના સેવા યજ્ઞને તેમણે સમાજ કલ્યાણના યજ્ઞ તરીકે ગણાવી ધર્માચાર્યો સાથેની રાજ્યપાલશ્રીની ચિંતન બેઠકમાં આ સેવાયજ્ઞમાં કોરોના વોરિયર્સ માટે ૫૪૪ કીટના યોગદાનની ઘોષણા કરી હતી તેની માહિતી પણ આપી હતી. આજે આ કીટનું વિતરણ પણ કરાયું હતું. વૈષ્ણવાચાર્યશ્રીએ સમાજશ્રેષ્ઠીઓને સહયોગ માટે આગળ આવવા અપીલ પણ કરી હતી.