અમદાવાદઃ ગુજરાત સહિત દેશના 43 જેટલા એરપોર્ટ સૌર ઉર્જાથી ઝળહળી રહ્યાં છે. જેના કારણે એરપોર્ટને દર મહિને લાખો રૂપિયાનો વીજ બીલમાં ફાયદો થાય છે. દેશના 43 એરપોર્ટની કુલ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતા 43 મેગાવોટ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને ભુજ એરપોર્ટ પર સૌર ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આવી જ રીતે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર જેવા એરપોર્ટ પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. દેશના 43 એરપોર્ટ પૈકી 17 એરપોર્ટના સંકુલમાં જમીન ઉપર પેનલ લગાવવામાં આવી છે. જ્યારે 26 એરપોર્ટ પર ઇમારતોની છત પર રૂફટોપ પેનલ લગાવીને સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મીનલ 1 અને ઈન્ટરનેશનલ ટર્મીનલ 2 ઉપર 700-700 કિલોવોટના સોલાર પ્લાંટ લગાવવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ રૂ. 3.36 કરોડના ખર્ચે તૈયાર થયો હતો. જેમાં કિલોવોટ દીઠ લગભગ 47500નો ખર્ચ થતો હતો. એરપોર્ટના ટર્મીનલ 2 ઉપર બે વર્ષ અગાઉ સોલાર પેનલ લગાવવામાં આવી હતી. સૌર ઉર્જાના ઉપયોગથી દર મહિને લગભગ રૂ. 14 લાખનું વીજ બીલ બચે છે. સૌર ઉર્જાની મદદથી એરપોર્ટની કુલ વીજ ખપતમાંથી કેટલીક વીજળી જાતે જ ઉત્પન્ન કરીને વીજળીની ખપત અને વીજ બીલ પણ ઘટાડવામાં આવે છે.