Site icon Revoi.in

ગુજરાત સરકારના પ્રોત્સાહનને કારણે 6.64 લાખ ઘરો પર લાગ્યા સોલાર રૂફટોપ

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિને કારણે હવે માત્ર શહેરોમાં જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો પોતાના ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી રહ્યા છે. સોલાર રૂફટોપ શરૂઆતમાં ઘર પર લગાવવાથી મોંઘી પડે છે. પરંતુ સરકાર દ્વારા સબસિડી મળતી હોવાથી લોકોને રાહત થાય છે. અને સોલાર રૂફટોપ લાગાવ્યા બાદ વીજળી બિલમાં સારીએવી બચત થાય છે.

દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, જૂન 2024 સુધી દેશના રહેણાક વિસ્તારમાં કુલ 9.76 ઘરો પર સોલાર રૂફટોપ લાગાવાયાં છે. જેમાંથી 68% ઘરો માત્ર ગુજરાતમાં છે. દેશના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ 3.11 લાખ ઘરો પર સોલાર પેનલ છે. ગુજરાતમાં તેનાથી બમણાં કરતાં પણ વધુ ઘરો પર સોલાર પેનલ છે. રાજ્યના રહેણાંક વિસ્તારમાં 2595 મેગાવૉટ સોલાર રૂફટોપ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે દેશના રહેણાંક વિસ્તારમાં સ્થાપિત સોલાર રૂફટોપની ક્ષમતા 4077 મેગાવૉટ છે. રહેણાંક વિસ્તાર સહિત દેશમાં કુલ સોલાર ઉર્જાની ક્ષમતા 85 હજાર મેગાવૉટ છે. સૌથી વધુ રાજસ્થાનમાં 22 હજાર અને ગુજરાતમાં 14 હજારથી વધુ મેગાવટ સોલાર ઉર્જા ઉત્પાદનની ક્ષમતા છે.

દેશમાં 9 રાજ્યો એવા છે કે, જ્યાં 10 હજારથી ઓછા ઘર પર સોલાર પેનલ છે. જેમાં પંજાબ, ઉત્તરાખંડ, કર્ણાટક, દિલ્હી, બિહાર સહિત રાજ્યોનો સમાવેશ થાય છે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ 100થી ઓછા ઘરો પર સોલાર રૂફટોપ છે. મધ્ય પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને હરિયાણામાં 12 હજારથી 18 હજાર ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે.