અમદાવાદઃ શહેરના ટ્રાન્સ્ટેડિયા ખાતે સાંસદ ખેલ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ્રે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેલા ખેલાડીઓને પારિતોષિક આપીને પ્રોત્સાહિત કર્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, યુવાનો મોબાઈલમાં વ્યસ્ત કરીને સમય બગાડે તેના બદલે આવી સ્પર્ધામાં બાગ લઈને સ્વસ્થ રહી શકે છે અને રમત-ગમત ક્ષેત્રે આગળ વધી શકે છે. તેમજ જીવનની ઘણી સમસ્યાઓના ઉકેલો રમતના મેદાનમાંથી મળતા હોય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલમહાકુંભનો પ્રારંભ કર્યો હતો જે આજે રાષ્ટ્રીય સ્તરે ખેલો ઈન્ડિયા તરીકે પ્રસ્થાપિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રચનાત્મક પ્રયાસોને પરિણામે દેશના ખેલ-કૂદ ક્ષેત્રમાં ફળદાયી બદલાવ આવ્યા છે. પીએમ મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટને વેગ આપવા માટે સાંસદ ખેલ સ્પર્ધા શરૂ કરાવી છે. જલેબી-ગાંઠિયા અને ઢોકળા ખાનાર તરીકેની ગુજરાતીઓની છાપ ગુજરાતના રમતવીરોએ હવે ભૂંસી નાખી છે. ગુજરાતમાં ખેલાડીઓ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.